રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પંચમહાલ પ્રવાસ : મલાવ ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ, યોગને જીવનશૈલી બનાવવાનો સંદેશ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ, બુધવાર : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામની મુલાકાત દરમિયાન સાદગીપૂર્ણ જીવનશૈલીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યપાલશ્રીએ મલાવ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કરીને સૌને સ્વસ્થ જીવન માટે યોગ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

મલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા યોગ સત્રમાં રાજ્યપાલશ્રીએ બાળકો અને ગ્રામજનો સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. તેમણે યોગથી થતા શારીરિક તેમજ માનસિક લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ શરીરની લચકતા વધારે છે, લોહીનું પરિભ્રમણ સુધારે છે અને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ બને છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે યોગ આપણા ઋષિ-મુનિઓની અમૂલ્ય ભેટ છે અને આજના ભાગદોડભર્યા જીવનમાં માનસિક શાંતિ તથા સારું સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ અત્યંત જરૂરી બની ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારે જીમ અને કસરત કરતાં નિયમિત યોગાભ્યાસ સમગ્ર શરીર અને મનને વધુ સ્વસ્થ બનાવે છે.

યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ કરાવતાં સમજાવ્યું કે આ પ્રાણાયામના નિયમિત અભ્યાસથી બુદ્ધિની તીવ્રતા, એકાગ્રતા અને માનસિક શીતળતા વધે છે. તેમણે યોગ અને પ્રાણાયામને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા સૌને અનુરોધ કર્યો હતો.

આધ્યાત્મિક માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ રાજ્યપાલશ્રી સાથે ગાયત્રી મંત્રના સામૂહિક જાપ પણ કર્યા હતા. રાજ્યપાલશ્રીએ બાળકોને ‘ૐ’ ના મહત્ત્વ વિશે સમજાવતાં તેમની યોગ પ્રસ્તુતિને બિરદાવી હતી.

રાજ્યપાલશ્રીના આ સાદગીભર્યા અને પ્રેરણાદાયી કાર્યક્રમથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-