દાહોદ, જીગ્નેશ પંચાલ :-

લીમખેડા: તાલુકાના પાણીયા ગામે સગીર વયની કન્યાના લગ્ન અટકાવવાનો સફળ પ્રયાસ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
ચાઈલ્ડ હેલ્પલાઈન 1098ને મળેલી ચોક્કસ બાતમી મુજબ, પાણીયા ગામે એક સગીર કન્યાના લગ્ન ચાટકી ગામના પુખ્ત વયના યુવક સાથે તા. 02/04/2026ના રોજ યોજાનાર હતા. આ ગંભીર માહિતી મળતા જ બાળલગ્ન અટકાવવા માટે તાત્કાલિક બાળ સુરક્ષા એકમ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી.
ટીમે લીમખેડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સંકલન સાધ્યું અને પોલીસ સાથે મળીને લગ્ન સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્યાના જન્મના પુરાવા ચકાસતા તે કાયદેસરની 18 વર્ષની ઉંમરથી નાની હોવાનું સામે આવ્યું હતું.
અધિકારીઓએ પરિવારજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અંગે માહિતી આપી હતી, જેમાં 18 વર્ષથી નાની દીકરી અને 21 વર્ષથી નાના દીકરાના લગ્ન ગેરકાયદેસર ગણાય છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે 2 વર્ષની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ હોવાની સમજ આપવામાં આવી હતી.
સાથે જ નાની ઉંમરે લગ્ન કરવાથી થતા સ્વાસ્થ્ય અને ભવિષ્ય પરના માઠા પ્રભાવ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. તંત્રની સમયસર કામગીરી અને સમજાવટને પગલે પરિવારે પોતાની ભૂલ સ્વીકારી અને કન્યાના 18 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ રીતે બાળ સુરક્ષા એકમ, પોલીસ વિભાગ અને 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનના સંકલિત પ્રયાસોથી બાળલગ્ન સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યું છે.