‘સેવા સંકલ્પ અભિયાન’: વડનગરથી વારાણસી બાઈક રેલીનું ગોધરામાં ભવ્ય સ્વાગત, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કર્યું શ્રમદાન

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Godhra: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ તેમના 25 વર્ષના સફળ અને જનકલ્યાણકારી સુશાસનની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઈક રેલી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પહોંચતા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાઈક રેલી ગોધરામાં પ્રવેશતા ત્રિમૂર્તિ મંદિર ખાતે સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો દ્વારા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ત્રિમૂર્તિ મંદિર ખાતે દર્શન કરી જળાભિષેક કર્યો હતો અને દેશ તથા રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બાઈક રેલી ગોધરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ઉપસ્થિત સંતો-મહંતો દ્વારા રેલીનું સ્વાગત કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

નવી પેઢી અને યુવાનોને સેવાકાર્યો સાથે જોડવાનો હેતુ

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 25 વર્ષના અવિરત સેવા શાસનના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવામાં આવી રહ્યું છે. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે કોઈ ઉજવણી કરવાને બદલે સમગ્ર રાષ્ટ્રમાં વિશિષ્ટ રીતે લોકોની સેવા કરવાના હેતુથી ‘સેવા દિવસ’ તરીકે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત રાજ્યના ચાર ઝોનમાંથી ‘સેવા યાત્રા’ શરૂ થઈને વડનગર પહોંચી હતી, જ્યાંથી તેને વારાણસી જવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ સેવા સંકલ્પ અભિયાનનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર સેવા એ જ આપણો ધર્મ છે એવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શીખવાડ્યું છે. ‘જનસેવા એ જ રાષ્ટ્ર સેવા’ અને ‘રાષ્ટ્ર સેવા એ જ ધર્મ’ના સંકલ્પ સાથે નવી પેઢી અને યુવાનો સેવા સાથે જોડાય તે જ આ સમગ્ર સેવા યાત્રાનો મુખ્ય હેતુ છે.”

20 દિવસની યાત્રા દરમિયાન વારાણસી લઈ જવાશે પવિત્ર જળ

આ 20 દિવસની યાત્રા દરમિયાન વિવિધ ગામો અને પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરવામાં આવેલું જળ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના અભિષેક માટે લઈ જવામાં આવી રહ્યું છે. યાત્રાનો મુખ્ય હેતુ નવી પેઢી અને યુવાનોને સેવાભાવ સાથે જોડવાનો તેમજ સેવાકાર્યોનો વિસ્તાર કરવાનો છે.

રાજ્યમાં ખેડા, ગોધરા, ભામૈયા BAPS, સાલિયા, સંતરોડ, લીમખેડા અને દાહોદ જેવા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને આ યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. સમગ્ર આયોજનમાં લોકપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં બાઈકર્સ જોડાઈને જનસેવાનો સંકલ્પ આગળ ધપાવી રહ્યા છે.

સાલીયા પ્રાથમિક શાળામાં સફાઈ અભિયાન અને શ્રમદાન

‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકરોએ સાલીયા પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આગેવાનો અને કાર્યકરોએ જાતે સફાઈ કરી શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

સાલીયા પ્રાથમિક શાળા ખાતે સફાઈ કામગીરી પૂર્ણ કર્યા બાદ કાર્યકરોના ઉત્સાહ અને બુલંદ નારાઓ વચ્ચે બાઈક રેલી પોતાના આગામી મુકામ દાહોદ તરફ રવાના થઈ હતી.



આ પણ વાંચો :-