રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મલાવ ગામે પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો : ગાય દોહી, સાયકલ ચલાવી દૂધ મંડળી પહોંચ્યા અને ખેતરમાં હળદરનું વાવેતર કર્યું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂત સાથે ખેતરમાં જઈ જાતે હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું હતું તેમજ પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ફાર્મમાં ગાય દોહીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાદમાં તેઓ સાયકલ ચલાવી મલાવ દૂધ સહકારી મંડળી સુધી પહોંચ્યા હતા અને ત્યાં જાતે દૂધ ભરાવી ગ્રામ્ય જીવન સાથેની પોતાની નજીકતા દર્શાવી હતી. રાજ્યપાલશ્રીની આ સાદગી અને કૃષિપ્રેમ જોઈ ગ્રામજનો અને ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ત્યાં ઉગાડવામાં આવેલા વિવિધ પ્રાકૃતિક પાકોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. પાકોની ગુણવત્તા અને સ્વસ્થ ઉત્પાદન જોઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઓછા ખર્ચે ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે અને આ ફાર્મ તેનું જીવંત ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ પાછળ દર વર્ષે દેશનો મોટો ખર્ચ વિદેશોમાં જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી દેશનો નાણાંકીય વ્યય અટકશે અને ખેડૂતો પણ વધુ સમૃદ્ધ બનશે.

રાજ્યપાલશ્રીના આ પ્રેરણાદાયી કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, આત્મા ડાયરેક્ટર, સરપંચશ્રી તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-