કેદારનાથ પદયાત્રા માર્ગ પર ભૂસ્ખલન:ગૌરીકુંડ પાસે પહાડ પરથી શ્રદ્ધાળુઓ પર ભારે પથ્થર પડ્યા ; 3 લોકોનાં મોત, આઠ ઘાયલ.

કેદારનાથના ગૌરીકુંડ પાસે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ભૂસ્ખલનના કારણે અહીં પહાડ પરથી પથ્થરો નીચે પડવાથી ત્રણ શ્રદ્ધાળુનાં મોત થયાં છે. જ્યારે અન્ય આઠ જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. SDRFની ટીમ દ્વારા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ચિરબાસા પાસેની ટેકરી પરથી ભારે પથ્થર પડ્યા
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડ પરથી આવતા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી.

SDRF ટીમ પહોંચી ઘટનાસ્થળે
શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ તરફ જઈ રહ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. SDRFના જણાવ્યા અનુસાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમના મૃતદેહને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડના CMએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, “કેદારનાથ યાત્રા માર્ગની નજીક પહાડ પરથી કાટમાળ અને ભારે પથ્થરો પડતાં કેટલાક શ્રદ્ધાળુઓનાં મોત અને ઘાયલ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અંગે હું સતત અધિકારીઓના સંપર્કમાં રહીને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારી સારવાર આપવા સૂચના આપી છે.

ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.