કબૂતરો જીવલેણ બીમારી ફેલાવી રહ્યાં છે:હાઇપર સેન્સિટિવિટી ન્યૂમોનાઇટિસ શું છે, આ એલર્જી કેટલી ખતરનાક છે?

પૂર્વ દિલ્હીમાં રહેતા 11 વર્ષના છોકરાને જ્યારે ઉધરસની સમસ્યા વધી ત્યારે તેના માતા-પિતા તેને સર ગંગારામ હોસ્પિટલમાં લઈ ગયા. દરમિયાન, છોકરાની તબિયત સતત બગડતી રહી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

પ્રારંભિક તપાસ દરમિયાન, ડોકટરોને જાણવા મળ્યું કે છોકરાના ફેફસામાં સોજો હતો. પછી તબીબી તપાસ કરવામાં આવી અને પરિણામો આશ્ચર્યજનક હતા. તે હાઇપર સેન્સિટિવિટી ન્યૂમોનાઇટિસ એટલે કે, એચપી નામની જવલ્લે જ થતી ફેફસાંની બીમારીથી પીડિત હતો. તેને એક પ્રકારનો ન્યૂમોનિયા કહી શકાય, જે તદ્દન જીવલેણ છે.

કેસ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે છોકરાની આ ગંભીર એલર્જીક ફેફસાની સમસ્યા કબૂતરના ડ્રોપિંગ્સ એટલે કે ચરક અને પીછાંઓના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે થઈ હતી. આ એક દુર્લભ, પરંતુ ખૂબ જ ગંભીર તબીબી સ્થિતિ છે, જે ક્યારેક જીવલેણ બની શકે છે.

આજે ‘તબિયતપાણી’માં આપણે ફેફસાના આ દુર્લભ રોગ હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઈટિસ વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે-

  • હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસના લક્ષણો શું છે?
  • તે અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓથી કેવી રીતે અલગ છે?
  • જ્યારે તમને આ રોગ થાય છે ત્યારે શું થાય છે?
  • આપણે આને કેવી રીતે અટકાવી શકીએ?

માણસોએ પક્ષીઓના રહેઠાણો પર અતિક્રમણ કર્યું

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે કબૂતરો દ્વારા ફેલાયેલી ગંદકીને સાફ કરવાની જવાબદારી કોની છે. દર વખતે મામલો અહીં પૂરો થાય છે કે શહેરમાં ખાનગી અને જાહેર સ્થળો પર કબૂતરોએ કબજો જમાવી લીધો છે. તેથી, જવાબદારી એક વ્યક્તિ પર મૂકવાને બદલે, બંનેએ સંયુક્ત રીતે આ કાર્ય માટે પૈસા ચૂકવવા જોઈએ.

જો કે, સત્ય એ છે કે જેમ જેમ માનવી વિકાસ અને સભ્યતાની સીડી ઉપર ચઢતો ગયો તેમ તેમ જંગલો કપાતાં ગયાં અને ઘરો અને બહુમાળી ઈમારતો બંધાતી રહી. પક્ષીઓ તેમના વાસ્તવિક ઘરો એટલે કે વૃક્ષો અને જંગલોથી વંચિત થઈ ગયા. હવે કોંક્રિટના મકાનોની બાલ્કનીઓ અને છત પર આશ્રય બનાવવો એ કબૂતરોની મજબૂરી છે. આ જ કારણ છે કે ઘણા શહેરી વિસ્તારોમાં કબૂતરો મોટી સમસ્યા બની ગયાં છે. હાઇપરસેન્સિટિવિટી ન્યૂમોનાઇટિસના કેસ સ્ટડી પછી આ સમસ્યા વધુ ગંભીર જણાય છે.