ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં તારીખ ૨૫ થી ૨૯ ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલ નુકસાન બાબતે વહીવટી તંત્રએ અસરકારક કામગીરી કરી છે. જિલ્લામાં થયેલા ભારે વરસાદમાં જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા ૨૪×૭ રાઉન્ડ ધ કલોક કામગીરી કરાઈ હતી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મળતી ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટરશ્રી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રોડ રસ્તા,વરસાદી પાણીનો નિકાલ, વીજળીના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું.
પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા વરસાદથી થયેલ નુકસાની બાબતે સર્વે કરીને કુલ રૂ.૮૪.૫૬ લાખની સહાય ચુકવવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં ૨૮ સંપૂર્ણ નુકસાન પામેલા કાચા મકાન માટે રૂ. ૩૩.૬૦ લાખની સહાય, ૮૫૫ જેટલા અંશતઃ નુકસાન પામેલા કાચા મકાન માટે ૩૪.૨૦ લાખની સહાય, ૭૧ ઝૂંપડાઓ માટે કુલ રૂ. ૫.૬૮ લાખની સહાય, ૪૯ અંશતઃ પાકા મકાનના નુકસાન માટે રૂ. ૩.૧૮ લાખની સહાય, સંપૂર્ણ પાકા મકાનના ૦૨ ઘરોના નુકસાન માટે કુલ રૂ. ૨.૪૦ લાખની સહાય, ૦૪ પશુ મૃત્યુના કિસ્સામાં ૧.૫૦ લાખની સહાય, ૦૧ માનવ મૃત્યુ માટે રૂ. ૪ લાખની સહાયનું ત્વરિત ચુકવણું કરાયું છે.
જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા પાકમાં થયેલ નુકસાન બાબતે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તો નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા જિલ્લાના વિવિધ રોડ, કોઝવે અને નાળાઓનું સમારકામ પણ કરાયું છે.