હિન્દોલીયા ગામે જંગલવાળા સિંગલ પટ્ટી રોડ પરથી દાહોદ એલસીબી પોલીસે…

દાહોદ, જીગ્નેશ પંચાલ :-

રૂપિયા ૩૫.૫૨ લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ- ૩૯૯ સાથે અશોક લેલન ટ્રક પકડી…

દાહોદ એલસીબી પોલીસે દેવગઢ બારીયા ના હિંદોલીયા ગામના જંગલ વાળા સિંગલ પટ્ટી રોડ પરથી મકાઈ ના કટ્ટાની આડમાં લઈ જવાતા રૂપિયા ૩૫.૫૨ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશ પાસિંગની અશોક લેલન ટ્રક પકડી પાડી, મકાઈના કટ્ટા તથા રૂપિયા ૧૫ લાખની કિંમતની અશોક લેલન ટ્રક મળી કુલ રૂપિયા ૫૦.૮૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડી પીપલોદ પોલીસને સુપરત કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગઈકાલે દાહોદ પીપલોદ પોલીસ સ્ટેશનના અદવિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાસીંગની એમપી-૧૯ એચ.એ-૧૯૫૯ નંબરની અશોક લેલન કંપનીની ટ્રકમાં મકાઈના દાણા ભરેલ કટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરી લીમખેડાથી પીપલોદ તરફ આવનાર છે. જે બાતમીને આધારે એલસીબી પોલીસ હીન્દોલીયા નજીક તે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાવી મૂકી પંચેલા ગામ તરફના અંતરિયાળ જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મો ઢબે પીછો કરતા ટ્રક ચાલક તેના કબજાની ટ્રક હિંદોલીયા ગામના જંગલ વાળા સિંગલ પટ્ટી રોડ પર મૂકી નાસી ગયો હતો. જે ટ્રક પોલીસે પકડી પાડી ટ્રકની તલાસી લેતા ટ્રકમાં મકાઈના દાણા ભરેલ કટ્ટાની આડમાં સંતાડીને રાખેલ રૂપિયા ૩૫,૫૨,૮૬૪/-ની કુલ કિંમતની વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ-૩૯૯ માં ભરેલ બોટલ નંગ-૧૫,૫૭૬ પકડી પાડી સાથે સાથે રૂપિયા ૩૦,૦૦૦/-ની કુલ કિંમતના મકાઈના કટ્ટા નંગ-૬૦ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૫ લાખની કિંમતની અશોક લેલન કંપનીની ટ્રક મળી રૂપિયા ૫૦,૮૨,૮૬૪/-નો મુદ્દામાલ કબજે લઈ પીપલોદ પોલીસને સુપરત કરી આ સંબંધે ફરિયાદ નોંધાવતા પિપલોદ પોલીસે મધ્યપ્રદેશ પાસિંગની અશોક લેલન કંપનીની ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.