હાલોલના નિર્માણ પેટ્રોલિયમ પંપ પર પુરવઠા તંત્રનો આકસ્મિક દરોડો : પેટ્રોલ-ડીઝલનું વેચાણ સ્થગિત, DVR અને રેકોર્ડ કબજે

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગ્રાહકો, વાહનચાલકો અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે પંચમહાલ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પેટ્રોલ પંપો પર સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ હાલોલ-વડોદરા હાઈવે પર બાસ્કા ગામ નજીક આવેલ નિર્માણ પેટ્રોલિયમ (IOCL) પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન હેઠળ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સરકારના નિયમો વિરુદ્ધ જઈ વાહનો સિવાય વિવિધ કંપનીઓ, ઔદ્યોગિક એકમો અને ક્વોરીઓને બેરલ તથા કારબામાં મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમો અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનોનું આ પ્રકારનું છૂટક વેચાણ પ્રતિબંધિત છે.

પુરવઠા વિભાગના પ્રાથમિક તારણો મુજબ, છેલ્લા છ મહિનાના વપરાશના સરેરાશ આંકડા અથવા ફાળવણીના ધોરણોને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત આર્થિક લાભ માટે ઇંધણનું વેચાણ કરવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. બેરલ અને કારબામાં ઇંધણના સંગ્રહ અને પરિવહનથી આગ અને જાનહાનિ જેવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે, જેના કારણે સરકાર દ્વારા આવા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેર હિતને ધ્યાનમાં રાખી જિલ્લા પુરવઠા અધિકારીએ નિર્માણ પેટ્રોલિયમ પંપનું પેટ્રોલ-ડીઝલ વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. વધુ તપાસ માટે પેટ્રોલ પંપના CCTV ફૂટેજની ચકાસણી અર્થે DVR તેમજ વેચાણ સંબંધિત તમામ મહત્વના રેકોર્ડ કબજે કરવામાં આવ્યા છે.

જિલ્લા પુરવઠા વિભાગે જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને ચેતવણી આપી છે કે ખેડૂતો અને સામાન્ય વાહનચાલકોને ઇંધણની અછત ન પડે તે રીતે વ્યવસ્થા જાળવવી. જો કોઈ પણ આઉટલેટ દ્વારા ગેરકાયદેસર રીતે ઇંધણનો જથ્થો ઔદ્યોગિક એકમો અથવા ક્વોરીઓ તરફ ડાયવર્ટ કરવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે જણાવ્યું છે કે આગામી દિવસોમાં જિલ્લાના અન્ય પેટ્રોલ પંપો, ઔદ્યોગિક એકમો અને ક્વોરીઓની પણ આકસ્મિક તપાસ કરવામાં આવશે. ગેરરીતિ અથવા ઇંધણ ડાયવર્ઝનના કોઈ પણ કૌભાંડ સામે આવશે તો પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા તંત્ર ગ્રાહકોના હિતોની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો :-