ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સામાન્ય રીતે ડાયાબિટીસને મોટી ઉંમરના લોકોનો રોગ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ ગંભીર બીમારી બાળકોને પોતાની ઝપેટમાં લે છે ત્યારે તેને જુવેનાઇલ ડાયાબિટીસ (ટાઈપ-1 ડાયાબિટીસ) તરીકે ઓળખવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી વિશેષ તપાસ અને ડિજિટલ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે. જિલ્લામાં કુલ 74 બાળકો આ ગંભીર રોગથી પીડિત હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે અને તેમની વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધવામાં આવી છે.
બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત તમામ 74 બાળકોને 18 વર્ષની ઉંમર સુધી જરૂરી ઈન્સુલીન, ગ્લુકોમીટર, ગ્લુકોસ્ટ્રીપ્સ, લેન્સેટ અને અન્ય તબીબી સાધનો સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે.
શું છે જુવેનાઇલ ડાયાબિટીસ?
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતના જણાવ્યા મુજબ, જુવેનાઇલ ડાયાબિટીસ એક ઓટોઈમ્યુન ડિસઓર્ડર છે. જેમાં બાળકની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી શરીરના સ્વાદુપિંડમાં રહેલા ઈન્સુલીન બનાવતા બીટા કોષો પર હુમલો કરે છે. પરિણામે શરીરમાં કુદરતી રીતે ઈન્સુલીન બનવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ રોગ ખાસ કરીને 5 થી 7 વર્ષના બાળકો અને કિશોરાવસ્થાના બાળકોમાં વધુ જોવા મળે છે.
સરકાર તરફથી મળશે નિઃશુલ્ક સહાય
સરકારી યોજનામાં નોંધાયેલા તમામ બાળકોને નીચે મુજબની સહાય આપવામાં આવશે:
✔️ ઈન્સુલીનનો જરૂરી જથ્થો
✔️ ગ્લુકોમીટર
✔️ ગ્લુકોસ્ટ્રીપ્સ
✔️ લેન્સેટ અને અન્ય જરૂરી સાધનો
આ સહાયના કારણે વાલીઓ પર દર મહિને આવતો હજારો રૂપિયાનો સારવાર ખર્ચ ઘટશે.
આ લક્ષણો દેખાય તો સાવચેત રહો
- વારંવાર પેશાબ લાગવો
- અતિશય તરસ લાગવી
- વધુ ભૂખ લાગવી અને સતત થાક અનુભવવો
- નાના ઘા પણ મોડા રૂઝાવા
- આંખે ઝાંખપ આવવી
દૈનિક જીવનમાં રાખવાની ખાસ કાળજી
- નિયમિત ઈન્સુલીન લેવું
- બ્લડ શુગરનું સતત મોનિટરિંગ કરવું
- સંતુલિત અને નિયંત્રિત આહાર લેવો
- નિયમિત રમતગમત અને વ્યાયામ કરવો
વાલીઓ માટે આરોગ્ય વિભાગની અપીલ
પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે જો કોઈ બાળકમાં ઉપરોક્ત લક્ષણો જોવા મળે અથવા હજુ સુધી આ યોજનામાં નોંધણી ન થઈ હોય તો તાત્કાલિક જિલ્લા NCD ક્લિનિક, GMERS હોસ્પિટલ, ગોધરાનો સંપર્ક કરી બાળકની નોંધણી કરાવે, જેથી સરકારની આ જીવનદાયી યોજના હેઠળ મળતી તમામ મફત સારવાર અને સહાયનો લાભ મળી શકે.