ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
PNG કનેક્શન ધરાવતા ગ્રાહકોને હાલ પૂરતા LPG સિલિન્ડર નહીં મળે: જીલ્લા પુરવઠા અધિકારીશ્રી
હોસ્પિટલ અને શાળાઓને કોમર્શિયલ ગેસમાં પ્રાથમિકતા; અફવાઓથી દૂર રહેવા જનતાને અપીલ
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરના અધ્યક્ષતામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જીલ્લામાં એલ.પી.જી. (LPG) ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જીલ્લા પુરવઠા અધિકારીશ્રી ભાર્ગવ ડાંગર ગેસ એજન્સીઓને કોઈ પણ પ્રકારનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તે જોવા સખત તાકીદ કરી છે. જો કોઈ સંગ્રહખોરી કે કાળાબજારી કરતા ઝડપાશે, તો તેમની સામે ઈ.સી.એ. તથા પી.બી.એમ. એક્ટ હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.વધુમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાયમાં હોસ્પિટલો અને શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગોધરા અને હાલોલના જે રહેણાંક વિસ્તારોમાં પી.એન.જી. કનેક્શન ચાલુ છે, તેવા ગ્રાહકોને હાલની પરિસ્થિતિમાં એલ.પી.જી. બોટલ ન આપવા સૂચના અપાઈ છે.
પુરવઠાનું વ્યવસ્થાપન માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ના બોટલીંગ પ્લાન્ટ સાથે સતત સંપર્કમાં રહીને જીલ્લામાં ગેસનો જથ્થો સમયસર પહોંચતો કરવા સેલ્સ ઓફિસરોને જણાવાયું છે.
જીલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જાહેર જનતાને વિનંતી કરી છે કે, તેઓ કોઈ પણ પ્રકારની અફવા કે ચિંતામાં આવ્યા વગર ગેસનો બિનજરૂરી સંગ્રહ ન કરે. જો કોઈ વ્યક્તિ નિયમ કરતા વધુ ભાવ લે અથવા કાળાબજારી કરે, તો તેની ફરિયાદ ઓ.એમ.સી. (OMC) ના હેલ્પલાઇન નંબર અથવા કલેકટર કચેરીએ કરવા અપીલ કરવામાં આવી છે.
આ બેઠકમાં જીલ્લાના ગેસ એજન્સી સંચાલકો, આઈ.ઓ.સી. (IOC) ના ડીસ્ટ્રીક નોડલ ઓફિસર અને બી.પી.સી.એલ. (BPCL) ના સેલ્સ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.