ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

ગોધરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અર્થે બેઠક યોજાઈ
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ તા. ૭ થી તા.૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી સુચારૂ રૂપે થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી(ઈ.ચા) શ્રી ડી.એમ.દેસાઈની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી,ગોધરાના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિકાસ સપ્તાહના આયોજન અને તેના અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવનાર છે. તેમણે આ ઉજવણીના ભાગરૂપે યોજાનાર વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન થાય તે સુનિશ્ચિત કરવા સબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં પંચમહાલના નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ એ ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિકાસ સપ્તાહ : ૨૦૨૫ અંતર્ગત સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ દિવસની ઉજવણી કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતુ કે, વિકાસ સપ્તાહ દરમિયાન યુવા સશક્તિકરણ દિવસ, રોજગાર મેળો, પોષણ દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ જેવા દિવસોની ઉજવણી કરવાની સાથે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. વધુમાં તેમણે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સબંધિત વિભાગ દ્વારા કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.