ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્ય સહિત ગોધરા નગરમાં મેઘરાજનો પ્રકોપ ચરમ સીમાએ પહોચતા જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું હતું, તેમજ એકધારો વરસાદ વરસવાના કારણે નગરના ગલી મોહલ્લામાં ઠેર ઠેર પાણી ભરાય ગયું હતું.. સાથો સાથ ઉપરવાસમાં પડી રહેલ ધોધમાર વરસાદના કારણે ગોધરા નગરમાંથી પસાર થતી મેશરી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી..
જેના કારણે મધ્યરાત્રીથી વરસી રહેલ વરસાદે સંધ્યાકાળ પછી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મેશરી નદીના કાંઠા વિસ્તારોમાં પાણી ઉભરાઈ ગયું હતું અને નદી કિનારે વસતા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા…
પરંતુ મેશરી નદી કિનારે આવેલ નવા બહારપુરા ચાંદ કોલોનીમાં અચાનક પાણી વધી જતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા તે સમયે સ્થાનિકોએ તાત્કાલિક નગર પાલિકા કાઉન્સિલર પપ્પુભાઈ સૈયદને જાણ કરતા ગોધરા નગર પાલિકા પ્રમુખ જયેશ ભાઈ ચૌહાણ રેસ્ક્યુ ટીમને સાથે લઈ સંકટ મોચનની જેમ નવા બહારપુરા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને નગર પાલિકાની બચાવ ટીમ દોરડા સહિતના પોતાના બચાવ સાધનો લઈ નદીમાં કુદી પડી હતી અને જોત જોતામાં નદી કિનારેના મકાનોમાં ફસાઈ ગયેલા લોકોને સહી સલામત બહાર લાવી રેસ્ક્યુ કરેલ હતું… આમ વરસતા વરસાદમાં નગર પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણની આવી આવકાર દાયક સેવા જોઈ સ્થાનિકો સહિત નગરના લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળી હતી.