ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ‘સંપૂર્ણતા’ હાંસલ કરવી એ આપણી પાયાની જરૂરિયાત છે” – રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા…

ગત વર્ષના ‘ગોલ્ડ મેડલ’ બાદ હવે પંચમહાલ જિલ્લો સંપૂર્ણતા અભિયાન ૨.૦ દ્વારા વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરશે: જિલ્લા સમાહર્તા અજય દહિયા..
ઘોઘંબા સ્વામી નારાયણ મંદિર ખાતે આકાંક્ષી તાલુકા કાર્યક્રમ અંતર્ગત ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ના ઉદ્ઘાટન પ્રસંગ કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓમાં વિકાસની જે ગતિ તેજ થઈ છે, તેના ભાગરૂપે ઘોઘંબા તાલુકાને પણ આકાંક્ષી તાલુકા તરીકે પસંદ કરી શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં “સંપૂર્ણતા” હાંસલ કરવાનું લક્ષ્ય છે.
શિક્ષણ પર ભાર મૂકતાં મંત્રીશ્રીએ વાલીઓ અને આંગણવાડીની બહેનોને અપીલ કરી હતી કે મજૂરીકામ અર્થે જતા પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેની ખાસ કાળજી લેવી. શાળાઓમાં સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે.
આરોગ્ય અને પોષણ અન્વયે PHC અને CHC કેન્દ્રો દ્વારા ગામડાના છેવાડાના માનવી સુધી સારવાર પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. કુપોષિત બાળકો, નબળા બાળકો અને ટીબીના દર્દીઓને શોધી તેમને પૂરતી સારવાર અને પોષણ આપવા માટે ‘દત્તક યોજના’ જેવી કામગીરીમાં સહભાગી થવા તેમણે આહવાન કર્યું હતું.
પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી અજય દહિયાએ ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે ગત વર્ષે જિલ્લાએ આ અભિયાનમાં ગોલ્ડ મેડલ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે પણ અગાઉની સફળતા જાળવી રાખી ફરીથી શ્રેષ્ઠ દેખાવ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ દરેક નાગરિકમાં આગળ આવવાની જે મહત્વાકાંક્ષા છે, તેને યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપીને જિલ્લાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિર્ધાર જિલ્લા કલેક્ટરશ્રી વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે,આ અભિયાન અંતર્ગત મુખ્ય છ નિર્દેશકો (Indictors) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આંગણવાડી ક્ષેત્રના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.બાળ કલ્યાણ અને પોષણ અંતર્ગત ૬ મહિના થી ૬ વર્ષના બાળકોની હાજરી મોબાઈલ એપ દ્વારા સુનિશ્ચિત કરવી અને તેમના પોષણ સ્તર (Height/Weight) નો સચોટ ડેટા મેળવવો, કુપોષિત બાળકોને ઓળખી તેમને PHC, CHC કે NRC માં દાખલ કરી યોગ્ય સારવાર અપાવવી તથા શાળાઓ અને આંગણવાડીઓમાં પીવાના પાણી અને દીકરીઓ માટે ટોયલેટની સુવિધા જેવી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવી. તદુપરાંત જિલ્લાના પશુઓમાં ૧૦૦% રસીકરણની કામગીરી પૂર્ણ કરી પશુધનનું રક્ષણ કરવા અંગે પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા , ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા તથા તાલુકાના અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.