ફતેપુરાના વટલી ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓને આરોગ્ય અંગે માર્ગદર્શન…

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામની મુખ્ય પ્રાથમિક શાળા તેમજ સંગાડા ફળિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કૃમિજન્ય રોગો અંગે જાગૃત કરવા અને તેનાથી બચવાના ઉપાયો અંગે માહિતી આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની સૂચના તથા ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી સુરેશ વી. અમલિયારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આયુષ્માન આરોગ્ય મંદિર વટલીના CHO તથા આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃમિથી પીડિત બાળકોમાં કુપોષણ અને એનિમિયાની શક્યતા વધી શકે છે. તેમજ બાળકોને થાક લાગવો તથા તેમના શારીરિક અને માનસિક વિકાસ પર પણ અસર થવાની શક્યતા રહે છે. આથી કૃમિથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અને ખાસ કરીને નિયમિત રીતે હાથ ધોવાની ટેવ રાખવી જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિનાશક અલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, મચ્છરજન્ય રોગો તથા વિવિધ રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી અને અટકાયતી પગલાં અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ, આયુષ્માન આરોગ્ય મંદિર વટલીના CHO અક્ષય વ્યાસ, આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ તથા શાળાના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પ્રશ્નોત્તરી દ્વારા આરોગ્ય તથા સ્વચ્છતા અંગે પોતાની સમજ વધુ મજબૂત બનાવી હતી.



આ પણ વાંચો :-