ફતેપુરાના લીમડિયા ખાતે ભાણાસીમલ પાણી પુરવઠા યોજનાનું મંત્રી નરેશભાઈ પટેલે કર્યું નિરીક્ષણ, પાંચ મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા સૂચના

ગોધરા, પંચમહાલ (નવાઝ શેખ):-

Kalam Ki Sarkar News / Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડિયા ખાતે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે ભાણાસીમલ ભાગ-૧ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો સાથે બેઠક યોજી બાકી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

પાણીની લાઇનો અને બાકી કામગીરી અંગે મેળવી માહિતી

સમીક્ષા દરમિયાન મંત્રીશ્રીએ પાણીની નવી અને જૂની લાઇનો, બલ્ક લાઇન, નાખવાની બાકી રહેલી પાઇપલાઇનની લંબાઈ તેમજ યોજના હેઠળ કેટલાં ગામોમાં પાણીનું વિતરણ થવાનું છે તે અંગેની વિગતો મેળવી હતી.

રૂ. 89 કરોડના ખર્ચે શરૂ થયેલી યોજનાની 55 ટકા કામગીરી પૂર્ણ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં અંદાજે રૂ. 89 કરોડના ખર્ચે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય જળસ્રોત કડાણા ડેમ છે. આ યોજના મારફતે ફતેપુરા, સુખસર અને સંતરામપુર તાલુકાનાં ગામોને પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે. હાલ યોજનાની અંદાજે 55 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

વન વિભાગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના

વન વિભાગને લગતી બાકી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મંત્રીશ્રીએ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી જરૂરી મંજૂરી મેળવવા સૂચના આપી હતી. આ સાથે જ આગામી પાંચ મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે સમયબદ્ધ આયોજન કરી કામગીરીને વેગ આપવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.



આ પણ વાંચો :-