ફતેપુરામાં મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોલનું લોકાર્પણ, માત્ર રૂ.5માં મળશે પૌષ્ટિક ભોજન

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિક ભાઈઓ અને બહેનોને માત્ર રૂ.5ના નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ શ્રમિકોના કલ્યાણ માટે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી શ્રમિકોને ઇ-નિર્માણ કાર્ડ કઢાવી પાત્રતા મુજબ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ દાહોદ જિલ્લામાં અગાઉ પાંચ સ્થળોએ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતાં. હવે જિલ્લામાં વધુ દસ સ્થળોએ આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ વિસ્તરણથી જિલ્લાના વધુ શ્રમિક ભાઈઓ અને બહેનોને નજીવા દરે પૌષ્ટિક ભોજનનો લાભ મળી શકશે.

ફતેપુરા ખાતે નવા સ્ટોલના લોકાર્પણ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં બાંધકામ શ્રમિકોનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. રસ્તાઓ, મકાનો, શાળાઓ, હોસ્પિટલો અને અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે શ્રમિક ભાઈઓ અને બહેનો દિવસ-રાત પરિશ્રમ કરે છે. તેમના પરિશ્રમનું સન્માન કરવું અને તેમના કલ્યાણની કાળજી રાખવી એ સરકારની પ્રાથમિકતા છે. આ હેતુથી શ્રમિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને માત્ર ભોજનની સુવિધા જ નહીં, પરંતુ તેમના પરિવારોના સર્વાંગી કલ્યાણ માટે પણ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. શિક્ષણ સહાય યોજના દ્વારા શ્રમિકોના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રસૂતિ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ટિ સહાય, તબીબી સહાય સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા મુશ્કેલ સમયમાં શ્રમિક પરિવારોને આર્થિક સહારો પૂરો પાડવામાં આવે છે. આ યોજનાઓ અંતર્ગત મળતી સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

કાર્યક્રમ દરમિયાન મંત્રી રમેશભાઈ કટારાએ તમામ શ્રમિક ભાઈઓ અને બહેનોને પોતાનું ઇ-નિર્માણ કાર્ડ કઢાવવા અને પાત્રતા મુજબ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. સાથે જ શ્રમિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સમયસર ભોજન મળી રહે તેની પૂરતી કાળજી રાખવા તેમજ યોજનાઓની માહિતી વધુમાં વધુ શ્રમિકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શ્રમિકો સુખી અને સ્વસ્થ રહેશે તો ગુજરાતનો વિકાસ વધુ મજબૂત બનશે. શ્રમિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો, ઉપસરપંચો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, વડીલો, સંબંધિત વિભાગના કર્મચારીઓ તેમજ શ્રમિક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-