ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં પરંપરાગત ગરબાનું ઉત્સાહભેર આયોજન, લોકસંસ્કૃતિના રંગે રંગાયું શાળા પરિસર

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલી જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે પરંપરાગત ગરબા કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિની આગવી ઓળખ સમાન ગરબાના તાલે સમગ્ર શાળા પરિસર ઉત્સવમય બની ગયું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકો અને સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લેતાં આનંદ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ‘કેસરિયો રંગ તને લાગ્યો’, ‘ઢોલીડા ઢોલ રે વગાડ’, ‘તારા વિના શ્યામ’ અને ‘ડુંગરેથી ઉતર્યો વાઘ રે’ જેવા લોકપ્રિય ગરબાઓની રમઝટે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ગરબાના મધુર સંગીત અને તાલબદ્ધ લયથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઊઠ્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફની ઉત્સાહભરી ભાગીદારીને કારણે કાર્યક્રમ વધુ જીવંત અને યાદગાર બન્યો હતો.

ગરબા એ ગુજરાતની સમૃદ્ધ લોકપરંપરા અને સામૂહિક એકતાનું પ્રતીક છે. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાની સાથે શિસ્ત, સહકાર, આત્મવિશ્વાસ અને સામૂહિક ભાગીદારી જેવા ગુણોના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન અને સ્ટાફના સંકલનથી યોજાયેલો આ પરંપરાગત ગરબા કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવાર માટે આનંદ, ઉત્સાહ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો યાદગાર અવસર બની રહ્યો હતો.



આ પણ વાંચો :-