ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Fatepura Ganpati Mahotsav: દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આગામી તા. 14 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનાર ગણપતિ મહોત્સવને અનુલક્ષીને ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ આયોજકો, શાંતિ સમિતિના સભ્યો તથા ડી.જે. સંચાલકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક ફતેપુરા પોલીસ મથકના પી.આઈ. પી.એ. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પી.એસ.આઈ. આર.વી. રાઠોડ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ગણપતિ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે યોજવા સૂચનાઓ
બેઠક દરમિયાન ગણપતિ મહોત્સવ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં યોજાય તે માટે આયોજકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવા ઉપરાંત મૂર્તિની ઊંચાઈ, ડી.જે.નું સંચાલન તથા જાહેર વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વિસર્જન દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ
ખાસ કરીને ગણપતિ વિસર્જન દરમિયાન સાવચેતી રાખવા અને નદી, તળાવ કે અન્ય વિસર્જન સ્થળોએ સુરક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ ભીડનું યોગ્ય સંચાલન કરવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો અને કાર્યકરોને પૂરતી તકેદારી રાખવા જણાવાયું હતું.
કાયદો અને વ્યવસ્થા જાળવવા સૌના સહકારની અપીલ
પોલીસ તંત્ર દ્વારા ગણપતિ મહોત્સવ અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત ગણપતિ આયોજકો, શાંતિ સમિતિના સભ્યો અને ડી.જે. સંચાલકોએ પોલીસ તંત્રને જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી.
