ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Ahmedabad: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નગરપાલિકાના ગંદા પાણી તેમજ સ્થાનિક ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીથી જમીનો બંજર થવાના મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ૨૪ સપ્ટેમ્બરે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. આજે, ૨૫ સપ્ટેમ્બરે પ્રાંત અધિકારી તરફથી લેખિત આશ્વાસન ન મળતા જિગ્નેશ મેવાણી અને ખેડૂત પ્રતિનિધિઓ કલેક્ટરને રૂબરૂ મળવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
ગણેશ વિસર્જનના દિવસે પણ ખેડૂતોનો વિરોધ
શુક્રવાર, ૨૫ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનના દિવસે પણ ખેડૂતોએ પ્રાંત કચેરી સામે મંડપ બાંધી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને તંત્ર અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. રાત્રિ દરમિયાન મહિલાઓ અને ખેડૂતોને પ્રાંત કચેરીના અંદરના પટાંગણમાં જ ભોજન લેવાની નોબત આવી હોવાનું જણાવાયું છે. આ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સરકારના ‘નારી શક્તિ’ના દાવાઓ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
તંત્ર નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી
હાલમાં પણ પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સ્થાનિક ખેડૂત નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે દૂષિત પાણીના કાયમી નિકાલ માટે તંત્ર તાત્કાલિક અને નક્કર લેખિત નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
ખેડૂતોનો આરોપ છે કે નગરપાલિકા પાસે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) હોવા છતાં દૂષિત પાણી સીધું ગામડાઓમાં છોડવામાં આવી રહ્યું છે. ભેટાવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું અને ખેતીનું પાણી દૂષિત થઈ ગયું હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે. એક પીડિત ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમે 400 રૂપિયાની મજૂરી કરીએ છીએ. રોજીરોટી કમાવવી, બાળકોને ભણાવવા કે પૈસા ખર્ચીને પીવાનું શુદ્ધ પાણી ખરીદવું? અમારા ગામમાં દૂષિત પાણીનું એક પણ ટીપું ન આવવું જોઈએ.”
બીજી તરફ, પ્રાંત અધિકારી તરફથી લેખિત આશ્વાસન ન મળતા જિગ્નેશ મેવાણી અને ખેડૂત પ્રતિનિધિઓ કલેક્ટરને રૂબરૂ મળવા પહોંચ્યા છે. ખેડૂતોની એક ટીમ પ્રાંત અધિકારી અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓ સાથે દૂષિત પાણી છોડાતા મુખ્ય સ્થળની તપાસ માટે રવાના થઈ છે.
હવે ખેડૂતોની રજૂઆતો બાદ તંત્ર દ્વારા આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવે છે અને દૂષિત પાણીની સમસ્યાના ઉકેલ માટે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.
