ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: દિલ્હીમાં 20 જુલાઈએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો હસ્તક્ષેપ કર્યો છે. ઘટનાની તપાસ માટે નિવૃત્ત જજ, પૂર્વ DGP, પૂર્વ CBI ડાયરેક્ટર સહિતના સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટી રચવાની જાહેરાત કરવામાં આવી છે. કમિટીના સભ્યો અંગે બુધવારે સત્તાવાર આદેશ જાહેર થવાની શક્યતા છે.
સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સંયુક્ત સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે અને તેમની સામે નોંધાયેલી ફરિયાદો અંગે પણ વિચારણા કરવામાં આવશે.
લાઠીચાર્જ અને પોલીસ વર્તનની પણ તપાસ
અરજદારો તરફથી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ, વિદ્યાર્થીઓને ઈજા તથા કેટલાક પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તનના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે ઉપલબ્ધ વીડિયો અને તસવીરો પણ તપાસ કમિટીને સોંપવામાં આવશે તેવા સંકેતો કોર્ટે આપ્યા છે.
એક યુવતીએ વિરોધમાં ભાગ લેવા બદલ સોશિયલ મીડિયા પર હેરાન કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રચાનારી કમિટી ઓનલાઇન હેરાનગતિ સહિતના સંબંધિત મુદ્દાઓની પણ તપાસ કરશે.
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પ્રદર્શન સ્થળે ટેક્નોલોજીની મદદથી ગુનાહિત રેકોર્ડ ધરાવતા આશરે 2,873 લોકોની ઓળખ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય કમિટીને તપાસ કરવાની તક આપવાની વાત કરી છે અને વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો રદ કરવા અંગે પણ મહત્વના સંકેતો આપ્યા છે.
