કોલકાતાની હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ, સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કોલકાતા, પશ્ચિમ બંગાળ: કોલકાતાની એક હોટલમાં મંગળવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યે ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો સારવાર માટે કોલકાતા આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા.

આગની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 4 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મોડી રાત્રે આગ લાગતાં હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કેટલાક લોકો અંદર ફસાયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

48 કલાકમાં પશ્ચિમ બંગાળમાં બીજો મોટો અગ્નિકાંડ

આ ઘટના પશ્ચિમ બંગાળના તારાપીઠમાં 17 ઓગસ્ટે બનેલી હોટલ આગની ઘટનાના માત્ર બે દિવસ બાદ સામે આવી છે. તારાપીઠમાં પણ હોટલમાં આગ લાગતાં 8 લોકોના મોત થયા હતા.

ટૂંકા સમયગાળામાં બનેલી આ બંને ઘટનાઓ બાદ હોટલોમાં ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રિકલ વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.



આ પણ વાંચો :-