દાહોદ : લીમખેડામાં ‘ અંતરના આવાસેથી ‘ સાથે કવિ સંમેલન મુશાયરો ગુંજ્યો…

લીમખેડા,(દાહોદ) જીગ્નેશ પંચાલ. :-

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી આર્ટ્સ કોલેજ, લીમખેડા મુકામે ભવ્ય કવિ સંમેલન – મુશાયરાનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા ભાવસભર પ્રાર્થના ગીતથી થઈ હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના ટ્રસ્ટી ધનાભાઈ ભરવાડ, મંત્રી ભરતભાઈ ભરવાડ તેમજ આચાર્ય પ્રોફેસર અશ્વિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંયમિત અને સુવ્યવસ્થિત સંચાલન પ્રોફેસર ડૉ. બાબુભાઈ પરમારે કર્યું. જ્યારે મુશાયરાનું સંયુક્ત સંચાલન કવિ વિનોદ ગાંધી અને હરીશ શાહે કરી શ્રોતાઓને અંત સુધી બાંધી રાખ્યા.
આ સાહિત્યિક પ્રસંગે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ગોપાલભાઈ શર્મા, ડૉ. રાજેન્દ્રસિંહ મકવાણા, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં કાવ્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉત્સાહભરી હાજરીથી કાર્યક્રમ વધુ યાદગાર અને સફળ બન્યો.
મુશાયરામાં રજૂ થયેલા રચનાઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ કરીને કેટલાક ચોટદાર અને વિચારપ્રેરક રચનાઓએ ભાવકો પાસેથી ભરપૂર દાદ મેળવી.

“પરિસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે!
માઈક મળે તો કોઈ છોડે?”
-કૃષ્ણ દવે

“ચલો, સારું થયું કે મિત્ર મારા કામમાં આવ્યા,
મને મૂકવાને માટે ઠેઠ મુક્તિધામમાં આવ્યા.”
– વિનોદ ગાંધી

હૃદયની કરું વાત, વાંધો નથી ને ?
હસી કાઢવાનો ઇરાદો નથી ને ?”
કૌશિક પટેલ ‘પ્રવાસી’

મેળવવા ચાહો તો, યત્નોના પાયામાં મૂકી દો નિષ્ઠાથી સર
કદી કહેશોના તારાને ખર..
_હરીશ શાહ

“સૂરજને ઢાંકીને વાદળ જ્યારે મોટાઈ કરવા માંડે;
વાદળમાં બાકોરું કરતો ઈશ્વર જબરો કારીગર છે.”
-ઝલક પટેલ

અંતે, આવા સુંદર અને સાહિત્યક કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. લીમખેડામાં યોજાયેલ આ કવિ સંમેલન સાહિત્યપ્રેમીઓ માટે એક યાદગાર બની રહ્યું હતું.