ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જેમના શિરે જવાબદારી એજ પોલીસ જવાનો દારૂની હેરાફેરીમાં પકડાયા…

ઝાલોદ,(દાહોદ) હિતેશ પ્રજાપતિ :-

દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ મથકના ત્રણ કર્મચારીઓએ ખાખી વર્દીને લાંછન લગાડ્યું છે. બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલે રાજસ્થાનથી વિદેશી દારૂની ખેપ મારી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને બાતમી મળી જતાં ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાનો પોતાની જ ગાડી ગટરમાં નાખી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.

ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, મોહન તાવિયાડ અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠિલાએ મળીને આ આખું નેટવર્ક ગોઠવ્યું હતું. મોહન તાવિયાડે રાજસ્થાનથી પોતાની પંચ કારમાં દારૂનો જથ્થો ભર્યો હતો, જેનું સંચાલન મોહન તાવિયાડ કરી રહ્યો હતો. જ્યારે બાકીના બે જવાનો આગળ અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા હતા જેથી રસ્તામાં ક્યાંય પોલીસ ચેકિંગ હોય તો બચી શકાય. આશ્ચર્યની વાત એ છે કે આ બંને કાર આ પોલીસ કર્મચારીઓની પોતાની માલિકીની જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

LCBની જાળમાં ફસાયા ‘ખાખીધારી’ બુટલેગરો દાહોદ LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે ચાકલીયા પોલીસના જ જવાનો દારૂ લઈને આવી રહ્યા છે. LCB એ તળાવા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેવી બંને કાર ત્યાં પહોંચી, પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ પકડાઈ જવાની બીકે ગુનેગાર બનેલા પોલીસ જવાનોએ ગાડી ઉભી રાખવાને બદલે લીમડી તરફ ફૂલ સ્પીડે ભગાડી હતી. LCB એ ખાનગી વાહનોમાં તેમનો પીછો કર્યો હતો, જેના દબાણમાં આવીને દારૂ ભરેલી પંચ કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રોડની સાઈડમાં ગટરમાં ઉતારી દીધી હતી.

મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગટરમાં ખાબકેલી પંચ કાર (GJ-35-N-8922) નો ચાલક મોહન તાવિયાડ અકસ્માત સર્જાતા જ ગાડી મૂકીને ખેતરોમાં ગાયબ થઈ ગયો હતો. તેની પાછળ પાયલોટિંગ કરી રહેલી અલ્ટો કાર (GJ-20-CA-8956) માં સવાર અર્જુન અને પ્રકાશ પણ નાસી છૂટ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂ અને બિયરની 112 બોટલો તથા 74 લીટર વોશ મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂ મળીને કુલ ₹5,66,646 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણેય જવાનો સામે ગુનો દાખલ
પોતાના જ સાથી કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા દાહોદ પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે. ચાકલીયા પોલીસ મથકમાં આ ત્રણેય ફરાર જવાનો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં આ ત્રણેય ‘વર્દીધારી’ બુટલેગરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

શું આ પોલીસ કર્મચારીઓ અગાઉ પણ દારૂની ખેપ મારતા હશે કે કેમ. આની તપાસ થશે કે કેમ ? તે જોવું રહ્યું