ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનનો કહેર, વીજળી અને વરસાદથી 89 લોકોના મોત…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ઉત્તર પ્રદેશમાં બુધવારે સાંજે આવેલા પ્રચંડ તોફાન, ધૂળની ડમરીઓ અને ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં મૃત્યુઆંક 27 હતો, જે બાદમાં વધીને 89 પર પહોંચ્યો છે.

તોફાન એટલું ભયંકર હતું કે અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા, મકાનોને નુકસાન થયું અને વીજળી તેમજ સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

પ્રયાગરાજમાં સૌથી વધુ જાનહાનિ

સૌથી વધુ અસર પ્રયાગરાજ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 21 લોકોના મોત થયા છે. અન્ય જિલ્લાઓમાં ભદોહી ખાતે 15, ફતેહપુરમાં 11, મિર્ઝાપુરમાં 10, ઉન્નાવમાં 6, બદાયુંમાં 5, બરેલી અને પ્રતાપગઢમાં 4-4 તેમજ હરદોઈ, કાનપુર દેહાત અને સંભલમાં 2-2 લોકોના મોત નોંધાયા છે.

પ્રયાગરાજમાં તોફાનના કારણે ત્રિવેણી સંગમ વિસ્તારમાં ઉભેલી ઝૂંપડીઓ ઉડી ગઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર મોટા વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ભદોહીમાં ભરબપોરે અંધારું

ભદોહીમાં સાંજે અચાનક વાતાવરણ બદલાતા કાળા વાદળો છવાઈ ગયા હતા. ખડગસેનપુર ગામમાં ઘર પર વૃક્ષ પડતા એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના મોત થયા હતા. અહીં કુલ 15 લોકોના મોત થયાની માહિતી છે.

માસૂમ બાળકો અને શ્રમિકો પણ બન્યા ભોગ

બદાયુમાં તોફાનથી બચવા ઝૂંપડીમાં આશરો લેનાર બે માસૂમ બાળકીઓ પર દીવાલ પડતા તેમનું મોત થયું હતું. અન્ય એક બનાવમાં પોતાના પિતાને ટિફિન આપવા જતા યુવાન પર વૃક્ષ પડતાં તેનું મોત થયું હતું.

રાહત કામગીરી શરૂ

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની તેમજ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો અને ટીનના શેડ ઉડી જતા પરિવારો બેઘર બન્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે નુકસાનનું આકલન ચાલુ હોવાથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો :-