ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Ahmedabad: નવરાત્રિ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને સાયલન્ટ ઝોનમાં ડીજે વગાડીને જાહેરનામાનો ભંગ થવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા અને ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. સાથે જ સંબંધિત તમામ સત્તાધિકારીઓ પાસેથી માહિતી મેળવી અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
ધ્વનિ પ્રદૂષણ માત્ર વેરાવળનો નહીં, સમગ્ર રાજ્યનો પ્રશ્ન
સુનાવણી દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે નોંધ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો માત્ર વેરાવળ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યને અસર કરતો પ્રશ્ન છે. ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બનતી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
આ મામલે અરજદાર સાથે જરૂરી વાતચીત કરવા માટે સુનાવણી દરમિયાન અદાલતે થોડી મિનિટો માટે કોર્ટના માઇક પણ બંધ કરાવ્યા હતા.
GPCBએ રજૂ કર્યો ધ્વનિ પ્રદૂષણ અંગેનો રિપોર્ટ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા હાઈકોર્ટ સમક્ષ ધ્વનિ પ્રદૂષણ સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ મંત્રાલયના વર્ષ 2000ના નોટિફિકેશન મુજબ સાયલન્ટ ઝોનમાં લાઉડસ્પીકર અથવા ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવાની માહિતી આપવામાં આવી હતી.
GPCB તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાત્રિના સમયે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી નથી. જોકે, બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટ જેવી ખાનગી જગ્યાઓમાં નિર્ધારિત ડેસિબલ મર્યાદાનું પાલન કરીને લાઉડસ્પીકર વગાડી શકાય છે.
સાયલન્ટ ઝોનમાં રાત્રે 45 ડેસિબલની મર્યાદા
નિયમો મુજબ જાહેર સ્થળોએ લાઉડસ્પીકર વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. હોસ્પિટલની આસપાસના સાયલન્ટ ઝોનમાં રાત્રિના સમયે અવાજની મર્યાદા 45 ડેસિબલથી વધુ ન હોવી જોઈએ.
હાઈકોર્ટે આ નિયમોના અમલને લઈને રાજ્ય સરકારને જરૂરી ચકાસણી કરવા અને સાયલન્ટ ઝોનમાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અસરકારક પગલાં ભરવા સૂચના આપી છે.
75 ટકા કિસ્સાઓમાં મધરાત પહેલાં અવાજ બંધ કરાવવા તપાસ થતી હોવાનો સરકારનો દાવો
રાજ્ય સરકારે સુનાવણી દરમિયાન રજૂઆત કરી હતી કે 75 ટકા કિસ્સાઓમાં રાત્રે 12 વાગ્યા પહેલાં અવાજ બંધ થાય તે સુનિશ્ચિત કરવા ઇન્સ્પેક્શન કરવામાં આવે છે.
જોકે, હાઈકોર્ટે માત્ર આ રજૂઆત પૂરતી ન ગણતાં સંબંધિત તમામ સત્તાધિકારીઓ પાસેથી માહિતી એકત્ર કરીને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અત્યાર સુધી કયા પગલાં ભરવામાં આવ્યા છે તેનો વિગતવાર જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
રાજ્ય સરકારે આ મામલે વધુ માહિતી અને જવાબ રજૂ કરવા માટે બે દિવસનો સમય માંગ્યો છે.
