ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
‘મિશન વિકસિત ગુજરાત’ પુસ્તિકાનું પંચમહાલમાં વ્યાપક વિતરણ: સરકારી યોજનાઓ હવે QR કોડથી આંગળીના ટેરવે…

પંચમહાલ: રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી અને વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ સમાજના તમામ વર્ગો, ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા અને વંચિત નાગરિકો સુધી સરળતાથી પહોંચે તેવા હેતુથી પંચમહાલ જિલ્લા માહિતી કચેરી દ્વારા ‘મિશન વિકસિત ગુજરાત’ પુસ્તિકાનું વ્યાપક સ્તરે વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘મિશન વિકસિત ગુજરાત’ પુસ્તિકા તેમજ અન્ય યોજનાકીય સાહિત્યનું નાગરિકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી સરળ અને સુલભ રીતે લોકો સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
QR કોડ આધારિત ડિજિટલ માહિતીનો નવતર પ્રયોગ
આધુનિક ડિજિટલ યુગમાં નાગરિકોને સરકારી યોજનાઓની માહિતી ઝડપથી અને સરળતાથી મળી રહે તે માટે પુસ્તિકામાં QR કોડ આધારિત માહિતી વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાગરિકો પોતાના સ્માર્ટફોન દ્વારા QR કોડ સ્કેન કરીને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી સીધી મેળવી શકે છે.
આ નવતર પ્રયોગથી સરકારી યોજનાઓ અંગેની માહિતી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બની છે.
સરળ ભાષામાં યોજનાઓનું માર્ગદર્શન
‘મિશન વિકસિત ગુજરાત’ પુસ્તિકામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ, તેની પાત્રતા, જરૂરી દસ્તાવેજો તેમજ અરજી કરવાની પ્રક્રિયાને સરળ અને સમજાય તેવી ભાષામાં રજૂ કરવામાં આવી છે.
આ માહિતીપ્રદ પુસ્તિકા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, શ્રમિકો તેમજ અન્ય જરૂરિયાતમંદ નાગરિકો માટે માર્ગદર્શક સાબિત થઈ રહી છે અને સરકારી સહાય મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
માહિતી કચેરીના કર્મયોગીઓની સરાહનીય કામગીરી
આ પુસ્તિકા અને અન્ય યોજનાકીય સાહિત્યના વિતરણમાં જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ શ્રી જે. એલ. વાળંદ, શ્રી ધર્મેશ પરમાર અને શ્રી જનક ખાંટ સહિતની ટીમે સરાહનીય કામગીરી બજાવી હતી.
જિલ્લા માહિતી કચેરી દ્વારા તમામ નાગરિકોને આ માહિતીપ્રદ સાહિત્યનો મહત્તમ લાભ લેવા તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર થવા અનુરોધ કરવામાં આવ્યો છે.