ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

શિરાચા ૧૪ ડિસેમ્બર ૨૦૨૫, આજરોજ, તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ, કચ્છના શિરાચા ખાતે આવેલા પ્રાચીન અને પવિત્ર શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પ્રાંગણમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ દ્વારા આયોજિત સાત દિવસના શ્રીમદ્ ભાગવત મહાસપ્તાહનો ભવ્ય પ્રારંભ થયો હતો.કાર્યક્રમની શરૂઆત એક અત્યંત આકર્ષક અને ભક્તિમય પોથી યાત્રા થી થઈ. મુખ્ય માર્ગથી મંદિર સુધીની આ યાત્રામાં આસપાસના ગામોની નાની બાળાઓએ શણગારેલા ગાડા સાથે ભાગ લીધો હતો. આ પોથી યાત્રા નો લાભ શ્રીમતી અમીબેન રક્ષિતભાઈ શાહે લીધો હતો ઉપરાંત મુંદ્રા તાલુકાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકોએ બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓએ વરઘોડામાં ઉત્સાહપૂર્વક જોડાઈને આ યાત્રાને ઐતિહાસિક બનાવી હતી.યાત્રા દરમિયાન ભક્તો “જય શ્રી કૃષ્ણ” તથા “જય શ્રી દાનેશ્વર મહાદેવ”ના જયઘોષ સાથે આગળ વધ્યા હતા. મંદિરે પહોંચતાં જ તમામ ભાવિકોએ શ્રી મહાદેવ ભગવાનના દિવ્ય દર્શન કર્યા અને ત્યારબાદ પવિત્ર ભાગવત પોથીને વિધિવત્ રીતે કથા મંડપમાં સ્થાપિત કરવામાં આવી હતી.

આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સંત-મહંતોમાં પરમ પૂજ્ય શ્રી દેવેન્દ્રગિરિજી મહારાજ (શ્રી દાનેશ્વર જાગીર), શ્રી મનોહરગિરિજી મહારાજ, શ્રી વિશ્વંભરગિરિજી મહારાજ (કાંડગરા) તથા ૫૦થી વધુ સાધુ-મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા, વિશિષ્ટ કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી મહારાજ (મોટા ભાડિયા વાળા)એ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે 6000થી વધુ શ્રોતાઓ એ કથાનું શ્રાવણ કર્યું હતું, કથા ના પ્રથમ દિવસે શ્રોતાઓને આધ્યાત્મિક મહિમા સમજાવવામાં આવ્યો હતો, કથા શ્રાવણ ના ફાયદાઓ પર ભાર મૂકતાં “સર્વજનહિતાય સર્વજનસુખાય” નો ભાવાર્થ રજૂ કર્યો હતો, ઉપરાંત શ્રી કૃષ્ણ સ્વરૂપ અને શિવ તેમજ ભાગવતના મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે ભાગ્યમાં હોય તો જ આ પવિત્ર કથાનું શ્રવણ થઈ શકે અને ભાગવત સ્વરૂપ જ્ઞાન પીરસ્યું હતું, આ ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ભરાઈ ગયું હતું અને હજારો ભાવિકોની આંખોમાં આનંદની અને ભક્તિની ચમક જોવા મળી હતી.આ પ્રસંગે શ્રી વિનોદભાઇ ચાવડા (સાંસદશ્રી, કચ્છ – મોરબી)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને શુભકામનાઓ આપી હતી, અને જણાવ્યું હતું કે આ શ્રીમદ ભાગવત કથા સપ્તાહમાં વધુ માં વધુ લોકો સહભાગી થાય અને આરોગ્ય સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો.