ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Maharashtra: તહેવારોની સિઝન દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યભરમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન રાજ્યના સાત વિભાગોમાં આવેલી 114 સંસ્થાઓમાંથી આશરે 3.53 લાખ કિલોગ્રામ ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ₹9.01 કરોડ હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી દરમિયાન 19 ખાદ્ય વ્યવસાયિક એકમોનાં લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
પતંજલિના ગાયના ઘીનાં 4,032 યુનિટ જપ્ત
FDAના સત્તાવાર નિવેદન અનુસાર, છત્રપતિ સંભાજીનગરમાં પતંજલિ આયુર્વેદના સુપર ડિસ્ટ્રિબ્યુટર M/s દિવ્ય મહાવિતારક પાસેથી ₹20.20 લાખની કિંમતનો ગાયના ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 4,032 યુનિટમાં 2,279.7 લિટર ઘીનો સમાવેશ થાય છે. તેમાં 1,349.1 લિટરના 2,998 યુનિટની કિંમત ₹12.29 લાખ અને 930.6 લિટરના 1,034 યુનિટની કિંમત ₹7.91 લાખ છે. FDAને પ્રાથમિક તપાસમાં આ જથ્થામાં મિસબ્રાન્ડિંગ અને ભેળસેળની શંકા સાથે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓના ભંગની આશંકા જણાઈ હતી.
19 એકમોનાં લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સસ્પેન્ડ
મુંબઈ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર વિભાગોમાં નમકીન, મીઠાઈ અને મસાલાનું ઉત્પાદન કરતા એકમો સહિત 19 વ્યવસાયોનાં લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ અસ્વચ્છ વાતાવરણ, ખાદ્યપદાર્થોના અયોગ્ય સંગ્રહ, જીવાત નિયંત્રણની વ્યવસ્થાનો અભાવ, સફાઈના રેકોર્ડ ન હોવા અને ફરજિયાત દસ્તાવેજો જાળવવામાં બેદરકારી જેવી ખામીઓ મળી આવી હતી.
ડી-માર્ટ સહિત વિવિધ સ્થળોએથી ખાદ્યસામગ્રી જપ્ત
આ અભિયાન દરમિયાન થાણે જિલ્લાના ભિવંડીમાં એવન્યૂ સુપરમાર્ટ્સ લિમિટેડ પાસેથી 1,44,218 કિલોગ્રામ ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે સાતારાના અમીન ટ્રેડર્સ પાસેથી 20,560 કિલોગ્રામ ચોખા, કઠોળ, ગોળ અને અન્ય ખાદ્યસામગ્રી જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત પુણે વિભાગમાં સાતારાની સ્વાતિ ઑઇલ મિલ્સ અને સોલાપુરના એસ.જી. ટ્રેડર્સ પાસેથી પણ ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું હતું.
₹79.40 લાખની પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત, 13 FIR નોંધાઈ
28થી 31 ઑક્ટોબર દરમિયાન પ્રતિબંધિત ખાદ્યચીજવસ્તુઓ સામેની અલગ કાર્યવાહીમાં 17 એકમોમાંથી ₹79.40 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચાર દિવસ દરમિયાન 13 FIR નોંધવામાં આવી, 16 લોકોની ધરપકડ કરવામાં આવી, સાત એકમોને સીલ કરવામાં આવ્યાં અને છ વાહનો જપ્ત કરાયાં હતાં.
આ ઉપરાંત નાશિક, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર વિભાગોમાં 34 હોટલ, રેસ્ટોરાં અને ઢાબાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતામાં ખામીઓ બદલ 29 એકમોને સુધારાની નોટિસ આપવામાં આવી હતી.
ટાટા 1mg સહિત ચાર કંપનીઓને કારણદર્શક નોટિસ
બીજી તરફ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ટાટા 1mg મરીન કોલેજન પાઉડરના લેબલિંગ અને જાહેરાતમાં કથિત નિયમભંગ બદલ ટાટા 1mg હેલ્થકેર સોલ્યુશન્સ, ACFO ફાર્માસ્યુટિકલ્સ, એમેઝોન સેલર સર્વિસિસ અને ફ્લિપકાર્ટ ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ચારેય કંપનીઓને 30 દિવસની અંદર પોતાનો ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.
