ગોધરામાં જશ્ન-એ-ઈદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી, “સરકાર કી આમદ મરહબા”ના નારાથી ગુંજી ઉઠ્યું ગોધરા

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સમગ્ર જુલૂસ દરમિયાન પોલીસ પ્રશાસન તથા પહેલ ગ્રુપનું નગરજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું….

ગોધરા નગરમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર-એ-ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની વિલાદતના મુબારક અવસર નિમિત્તે જશ્ન-એ-ઈદે મિલાદુન્નબીની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ નગરના વિવિધ વિસ્તારોમાં “સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબા”ના નારા ગુંજી ઉઠ્યા હતા અને ત્યારબાદ હજારોની જનમેદની જુલૂસ સ્વરૂપે નગરના માર્ગો પર ઉમટી પડી હતી.

મળતી વિગતો મુજબ ૧૨ રબ્બિયુલ અવ્વલના મુબારક દિવસે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ની વિલાદતની ખુશીમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે. આ જ કડીમાં ગોધરા નગરમાં પણ વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જશ્નમાં જોડાયા હતા. હિલપાર્ક સોસાયટી, ગોંદરા ક્વાર્ટર, નવા બહારપુરા, મન્સુરી સોસાયટી, મીમ ગ્રુપ શાહવલીવાડ, જૂની પોસ્ટ ઓફિસ નો-એન્ટ્રી, સૈયદવાડા, ખાડી ફળિયા, કુબા મસ્જિદ વિસ્તાર, ઈશ્કે હુસેની ચોક સહિતના વિસ્તારોમાંથી વૃદ્ધો, યુવાનો અને બાળકો હાથમાં પરચમ લહેરાવતા, નાતશરીફ પઢતા અને “લબ્બૈક યા રસૂલલ્લાહ”ના નારા લગાવતા જુલૂસમાં જોડાયા હતા. સમગ્ર નગરમાં ધાર્મિક ઉત્સાહ સાથે ભાઈચારો અને સદભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું જીવન સમગ્ર માનવજાત માટે સત્ય, સાદગી, દયા, ક્ષમા, ન્યાય અને ભાઈચારાનો સંદેશ આપનાર રહ્યું છે. તેઓ રહમતુલ્લિલઆલમીન એટલે કે સમગ્ર આલમ માટે રહેમત બનીને આવ્યા હતા. અલ્લાહના રસૂલ હોવા છતાં તેમનું જીવન અદભુત સાદગીથી ભરેલું હતું. સામાન્ય લોકો સાથે બેસવું, ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવી, અનાથો પ્રત્યે પ્રેમ રાખવો, પડોશીઓના હકનું ધ્યાન રાખવું અને દુઃખી વ્યક્તિના દુઃખને પોતાનું દુઃખ માનવું તેમના જીવનની વિશેષતા હતી.

પયગંબર (સ.અ.વ.)ના જીવનમાં અનેક કઠિન પરીક્ષાઓ આવી હતી. મક્કાના સમયગાળામાં તેમને અને તેમના સાથીદારોને અનેક પ્રકારની તકલીફો અને અત્યાચાર સહન કરવા પડ્યા હતા. તાયફના પ્રસંગે પણ તેમને ભારે ઝૂલમ અને પથ્થરોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે બદલો લેવાની ભાવના રાખવાને બદલે પોતાની કૌમ માટે હિદાયતની દુઆ કરી હતી. મક્કા વિજય સમયે પણ અગાઉ અત્યાચાર કરનારા લોકો સામે શક્તિ હોવા છતાં તેમણે બદલો લેવાને બદલે ક્ષમા અને દયાનો માર્ગ પસંદ કર્યો હતો. તેમના જીવનમાંથી મળતો આ સંદેશ માનવતાના ઇતિહાસમાં ક્ષમા, કરુણા અને સંયમનું અનોખું ઉદાહરણ છે.

હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ સમાજના ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ અને નબળા વર્ગોના હક્કોનું રક્ષણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે પડોશી સાથે સારો વ્યવહાર, ગરીબની મદદ, ભૂખ્યાને ભોજન, નબળા પ્રત્યે દયા, સત્ય બોલવું અને અન્યાયથી દૂર રહેવાની શિક્ષા આપી હતી. તેથી ઈદે મિલાદની ઉજવણી માત્ર ખુશી વ્યક્ત કરવાનો અવસર ન બની રહે, પરંતુ રસૂલ-એ-પાક (સ.અ.વ.)ની સીરતને જીવનમાં ઉતારવાનો સંકલ્પ બને તેવો સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.

ગોધરામાં યોજાયેલા જશ્ન-એ-ઈદે મિલાદુન્નબીના જુલૂસમાં આ જ પ્રેમ અને આસ્થા સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં લહેરાતા પરચમ, ગુંજતી નાતશરીફ અને પયગંબર (સ.અ.વ.)ની શાનમાં લગાવવામાં આવતા નારાઓ વચ્ચે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉત્સાહથી ભરાઈ ગયું હતું. જુલૂસ દરમિયાન લોકો દ્વારા અમન, શાંતિ, ભાઈચારા અને સદભાવનાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગોધરા નગરમાં માનવસેવાના કાર્યોમાં અગ્રેસર રહેનાર પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય તથા મુસ્લિમ સમાજના આગેવાન એવા જલાલુદ્દીન સૈયદ (માજી નગરપાલિકા સભ્ય), તોફીક મલેક અને મુખ્તારબેગ મિરઝા સાથે વાતચીત કરતા તેમણે સૌપ્રથમ પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના મિલાદની સૌને દિલી મુબારકબાદ પાઠવી હતી.

ત્યારબાદ તેમણે ગોધરા નગરમાં જશ્ન-એ-ઈદે મિલાદુન્નબીનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સદભાવના ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પંચમહાલ રેન્જ આઈજીપી શ્રીમતી વિધી ચૌધરી, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ.હરેશ દુધાત, ડીવાયએસપી શ્રી જાડેજા મેડમ સહિત તમામ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીઓ તથા પોલીસ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે પોલીસ તંત્રની સતર્કતા, વ્યવસ્થા અને સહકારને કારણે જશ્ન-એ-ઈદે મિલાદુન્નબીનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં સફળતા મળી છે. સાથે જ તેમણે આ પવિત્ર અવસરે ઉત્સાહપૂર્વક સહભાગી બની શાંતિ, સદભાવ અને કોમી એકતાની પરંપરાને વધુ મજબૂત બનાવનાર ગોધરા નગરના તમામ નગરજનોને અંતઃકરણપૂર્વક સલામ અને શુભેચ્છા પાઠવી હતી.

આમ, ગોધરા નગરમાં યોજાયેલ જશ્ન-એ-ઈદે મિલાદુન્નબી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતા પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના જીવનમાંથી મળતા અમન, શાંતિ, પ્રેમ, સાદગી, ક્ષમા, સેવા અને માનવતાના સંદેશને જન-જન સુધી પહોંચાડતો અવસર બની રહ્યો હતો.