ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: દેશભરના લો ગ્રેજ્યુએટ્સ અને યુવા વકીલો માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની પરીક્ષામાં બેસવા માટે જરૂરી 3 વર્ષના વકીલાતના અનુભવની શરત ઘટાડીને 1 વર્ષ કરી દીધી છે.
2:1ની બહુમતીથી ચુકાદો
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે રિવ્યૂ પિટિશન પર ચુકાદો આપ્યો હતો. CJI સૂર્યકાંત અને જસ્ટિસ એ.જી. મસીહે બહુમતીથી નિર્ણય આપ્યો, જ્યારે જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને અસંમતિ દર્શાવી હતી.
31 માર્ચ 2027 સુધી ખાસ રાહત
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 25 મે 2025થી 31 માર્ચ 2027 વચ્ચે જાહેર થનારી જ્યુડિશિયરી પરીક્ષાઓમાં ઉમેદવારો પૂર્વ વકીલાતના અનુભવ વિના પણ ભાગ લઈ શકશે.
જોકે, પસંદગી પામેલા ફ્રેશ ઉમેદવારોને સીધી પોસ્ટિંગ આપવામાં નહીં આવે. તેમને પહેલા 1 વર્ષની જ્યુડિશિયલ ટ્રેનિંગ અને ત્યારબાદ 1 વર્ષની સ્ટ્રક્ચર્ડ ક્લાર્કશિપ પૂર્ણ કરવી પડશે.
1 એપ્રિલ 2027થી નવો નિયમ
1 એપ્રિલ 2027 બાદની ભરતીમાં સિવિલ જજની પરીક્ષા માટે ઓછામાં ઓછો 1 વર્ષનો વકીલાતનો અનુભવ ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ મે 2025માં સિવિલ જજની પરીક્ષા માટે 3 વર્ષનો વકીલાતનો અનુભવ ફરજિયાત કર્યો હતો. અચાનક લાગુ કરાયેલા આ નિયમથી યુવા વકીલો અને લો ગ્રેજ્યુએટ્સ સામે ઊભી થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે હવે તેમાં રાહત આપી છે.
