ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-
આરોગ્ય, રક્તદાન, રમતગમત, પોલીસ કામગીરી, રાહવીર સેવા, કૃષિ સંશોધન અને મહેસુલી સેવાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રશસ્તિપત્ર એનાયત

પંચમહાલ, શનિવાર: પંચમહાલ જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વિકાસ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનાર ૧૯ જેટલા વિશિષ્ટ નાગરિકો અને કર્મયોગીઓને પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા આ સન્માન સમારોહમાં આરોગ્ય સેવા, સ્વૈચ્છિક રક્તદાન, રમતગમત, શિક્ષણ, સાહસિક પોલીસ કામગીરી, કાયદો અને વ્યવસ્થા, અકસ્માત સમયે જીવનરક્ષક સેવા (રાહવીર), કૃષિ સંશોધન અને મહેસુલી સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓને બિરદાવવામાં આવી હતી.
આરોગ્ય અને માનવસેવા ક્ષેત્રે યોગદાન
શિલ્પાબેન પરીખ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા) દ્વારા રક્તદાન શિબિરોનું સુચારુ આયોજન કરી કુલ ૪૭૬ યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું.
*ગોરધન દાસવાણી (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા)*એ પોતે અત્યાર સુધીમાં ૭૬ વખત સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
*રીટાબેન પરમાર (આશા વર્કર, સણસોલી)*એ ૨૩ અતિ જોખમી સગર્ભાઓની સફળ પ્રસૂતિમાં સહયોગ આપ્યો હતો તેમજ ૨૦ મહિલાઓને ઓપરેશન માટે પ્રેરિત કરી હતી.
અનુશ્રી આર. પટેલ (સ્ટાફ નર્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દેલોલ) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કેન્દ્ર ખાતે ૧૫૪ જેટલી સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
*ડૉ. અશ્વિન રાઠવા (મેડિકલ ઓફિસર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, શહેરા)*એ સમગ્ર કેન્દ્રમાં સૌથી વધુ ૬૨૬ સફળ પ્રસૂતિ કરાવી વિશિષ્ટ સેવા આપી હતી.
રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિઓ
*આલીયા અબ્દુલકલીમ ખાન (સરકારી માધ્યમિક શાળા, દરૂણીયા)*એ ૨૪મી નેશનલ પેરા એથ્લેટિક્સ, ભુવનેશ્વર ખાતે બ્રોન્ઝ મેડલ મેળવી પંચમહાલનું નામ રોશન કર્યું હતું. તેમની પસંદગી રાજ્ય સરકારના ‘સરદાર પટેલ એવોર્ડ’ માટે પણ થઈ છે.
*વિપા બારિયા (PM શ્રી એકલવ્ય મોડેલ સ્કૂલ, વેજલપુર)*ની આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કાર્યશાળા ‘મિશન શક્તિસેટ’ માટે ભારતમાંથી પસંદ થયેલા માત્ર ૨૦ વિદ્યાર્થીઓમાં પસંદગી થઈ હતી. ૧૦૮ દેશોના ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ગુજરાતમાંથી તેઓ એકમાત્ર પસંદ થયેલા વિદ્યાર્થી રહ્યા હતા.
*કુ. ઓપિનાબેન ભિલાડ (SAG, ગોધરા)*એ નવી દિલ્હી ખાતે યોજાયેલા ખો-ખો વર્લ્ડ કપ-૨૦૨૫માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
જ્યોતિકાબેન રાઠવા અને છાયલ પરમાર (SAG, ગોધરા) સ્પેશિયલ ઓલિમ્પિક્સની નેશનલ ઇવેન્ટમાં વિજેતા બની હતી અને ઓગસ્ટ-૨૦૨૬માં હોંગકોંગ ખાતે યોજાનારી ઈસ્ટ એશિયા રીજનલ બોલિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી પામી છે.
પોલીસ કામગીરીમાં સાહસ અને સરાહનીય સેવા
*શ્રી અલ્પેશભાઈ નારણભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, LCB ગોધરા)*એ ચાર અણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓ ઉકેલી રૂ.૨.૧૯ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેમણે ૧૮ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલા બે માસુમ બાળકોને સલામત રીતે મુક્ત કરાવી તેમના પિતા સાથે મિલન કરાવ્યું હતું.
*શ્રી હેમરાજસિંહ મહેન્દ્રસિંહ (પોલીસ કોન્સ્ટેબલ, LCB ગોધરા)*એ છ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત વિદેશી દારૂ તથા રૂ.૪૨,૪૦૦નો પ્રોહિબિશન/જુગારનો મુદ્દામાલ ઝડપી પાડવા સાથે બે અપહરણ કરાયેલા બાળકોને મુક્ત કરાવવામાં પ્રશંસનીય કામગીરી કરી હતી.
*રિકુબેન ભરતસિંહ (પોલીસ કોન્સ્ટેબલ, હાલોલ રૂરલ)**એ પોક્સો એક્ટના ગુનામાં ભોગ બનનારને નેપાળ બોર્ડર પરથી પરત લાવી SSB અને ઉત્તર પ્રદેશ પોલીસના સહયોગથી આરોપીને ઝડપી જેલહવાલે કરાવ્યો હતો.
અકસ્મતમાં તાત્કાલિક મદદ કરનાર ‘રાહવીરો’નું સન્માન
*પરેશકુમાર વિનોદચંદ્ર બસરાણી (ગોધરા)*એ ગોધરા-વડોદરા હાઈવે પર અકસ્માતમાં ઘાયલ રાહુલકુમાર બારીઆને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવવામાં મદદ કરી હતી.
*અનશ મહોમદ અયુબ હશાન (ગોધરા)*એ ભરત સિલિકાના ગેટ પાસે અકસ્માતમાં ઘવાયેલા બાળક ઈદરીશ વાલાને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવન બચાવવાની કામગીરી કરી હતી.
*વિશાલ દિલીપભાઈ જયસ્વાલ (ગોધરા)*એ કાર-એક્ટિવા અકસ્માતમાં ઈજાગ્રસ્ત ઉમેશભાઈ અને ઈશાકભાઈને પોતાની ગાડીમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
*મહેશકુમાર ભગવાનસિંહ ગોહિલ (હાલોલ)*એ હાલોલ રોડ પર અકસ્માતનો ભોગ બનેલા અરવિંદભાઈ સોલંકીને પોતાની રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મહેસુલી સેવા અને કૃષિ સંશોધનમાં ઉત્કૃષ્ટ કામગીરી
*વિક્રમ પરમાર (મહેસુલી તલાટી, ગોધરા ગ્રામ્ય)*એ છ ગામોમાં ૧૩૬ વારસાઈ નોંધ, ૧૬ મરણ નોંધણી તેમજ સેવાસેતુ અંતર્ગત ૧૩ બાળકોની નોંધણી કરાવી તેમને શિષ્યવૃત્તિ સહિતની સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં મહત્વની કામગીરી કરી હતી.
*ચેના પંચાલ (મદદનીશ રીસર્ચ સાયન્ટીસ્ટ, GNSU, હાલોલ)*ને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ‘Best Start-up & Innovation Award’ તેમજ ‘Best Faculty & Mentorship Award’ પ્રાપ્ત થયા છે. કૃષિ સંશોધન ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ તમામ સન્માનિત વ્યક્તિઓ અને કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના આવા કર્મનિષ્ઠ લોકો, પ્રતિભાશાળી યુવાનો અને જાગૃત નાગરિકો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમની સેવા અને સિદ્ધિઓ અન્ય લોકોને પણ સમાજ તથા રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે.
