લુણાવાડા, (મહીસાગર) મોહમ્મદ મિર્ઝા :-

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં *GBS (Guillain-Barré Syndrome)*ના કથિત કેસો સામે આવતાં ચિંતા જોવા મળી રહી છે. લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી નજીક આવેલી આદર્શ શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રોગના લક્ષણો જોવા મળ્યા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, આદર્શ શાળામાં અભ્યાસ કરતા 5થી વધુ બાળકોમાં GBSના લક્ષણો જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી નજીકના ત્રણ બાળકો પણ તેની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ દરમિયાન આદર્શ શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતા દેવરાજ મછારનું થોડા દિવસ પહેલાં મોત થયું હતું. તેના મોતનું કારણ GBS હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
છેલ્લા એક અઠવાડિયાથી શાળામાં અભ્યાસ કરતા કેટલાક બાળકોમાં લક્ષણો જોવા મળતાં વાલીઓમાં ભય અને ચિંતા વધી છે. જયશ્રીનગર નજીક જ આદર્શ શાળા આવેલી હોવાથી બાળકોના આરોગ્યને લઈને વાલીઓ વધુ ચિંતિત બન્યા છે.
વાલીઓ દ્વારા આદર્શ શાળામાં અભ્યાસ કરતા બાળકોનું યોગ્ય આરોગ્ય પરીક્ષણ અને જરૂરી ટેસ્ટિંગ કરાવવા જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે.
વાલીઓની માંગ છે કે જિલ્લા આરોગ્ય તંત્ર અને લુણાવાડા નગરપાલિકા આ સમગ્ર મામલે વહેલી તકે જરૂરી તપાસ અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરે, જેથી બાળકોના આરોગ્ય અંગેની ચિંતા દૂર થઈ શકે.
