ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોર્ટ કાર્યવાહીના ઑડિયો-વીડિયો રેકોર્ડિંગના ગેરઉપયોગને રોકવા મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટની કાર્યવાહીના વીડિયો અને ઑડિયો સંબંધિત સત્તાધિકારીની પૂર્વમંજૂરી વિના સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પોસ્ટ, રી-પોસ્ટ કે અપલોડ કરી શકાશે નહીં.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના મહાસચિવ અથવા સંબંધિત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની મંજૂરી વિના કોર્ટ કાર્યવાહીના રેકોર્ડિંગમાં ફેરફાર કરવો, તેને સંપાદિત કરવો, વાયરલ કરવો અથવા કોઈપણ ડિજિટલ માધ્યમ પર શેર કરવો પ્રતિબંધિત રહેશે.
આ મામલો કોર્ટની લાઇવસ્ટ્રીમિંગ અને કાર્યવાહીના વીડિયોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા ગેરઉપયોગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી બાદ સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી જવાબ પણ માંગ્યો છે.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે કોર્ટ કાર્યવાહીના વીડિયો સંદર્ભ વગર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ન્યાયતંત્ર અંગે ભ્રામક ધારણા ઊભી થાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોર્ટ કાર્યવાહીના ડિજિટલ ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ વચગાળાનો આદેશ ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા તેમજ કોર્ટ કાર્યવાહીના ઑડિયો-વીડિયોનો ભ્રામક, સંપાદિત અથવા ગેરમાર્ગે દોરતા ઉપયોગ અટકાવવાના હેતુથી આપવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોના જવાબ બાદ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.