વડોદરા, સાજીદ શેખ :-
તાલીમાર્થીઓમાં આત્મવિશ્વાસનો નવો સંચાર… યુવાનોને રોજગાર માગનાર નહીં, રોજગાર આપનાર બનાવવાની ગુજરાત સરકારની અનોખી પહેલ

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED), પ્રાદેશિક કચેરી, વડોદરા દ્વારા તા. 18 જુલાઈથી શરૂ કરાયેલ 12 દિવસીય ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ (EDP) સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. રાજ્યના યુવાનો, મહિલાઓ અને ભાવિ ઉદ્યોગસાહસિકોને સ્વરોજગાર માટે સજ્જ બનાવવા તેમજ તેમને વ્યવસાયિક રીતે સશક્ત બનાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમ તાલીમાર્થીઓ માટે જ્ઞાન, પ્રેરણા અને નવી તકોનું મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે.કાર્યક્રમના પ્રથમ દિવસે CEDના ડેપ્યુટી મેનેજર તથા રિસોર્સ પર્સન આશિષ શાહ દ્વારા તાલીમાર્થીઓનો પરસ્પર પરિચય કરાવવામાં આવ્યો હતો. સાથે જ કાર્યક્રમના હેતુઓ, તાલીમની રૂપરેખા અને આગામી 12 દિવસ દરમિયાન આવનારા વિવિધ વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ રિસોર્સ પર્સન અનિકેત પંડ્યા દ્વારા ખૂબ જ ઓછા શબ્દોમાં ઊંડા જીવનમૂલ્યો સમજાવવામાં આવ્યા.હતા. તેમણે “નિશાન ચૂક માફ, પણ નીચું નિશાન કદી માફ નહીં.
” જેવા પ્રેરણાદાયી વાક્ય દ્વારા સમજાવ્યું કે જીવનમાં હંમેશા ઉંચા ધ્યેય અને મોટા સપના રાખવા જોઈએ. ધ્યેય હાંસલ કરવામાં નિષ્ફળતા મળે તો પણ તે ક્ષમ્ય છે, કારણ કે પ્રયત્ન મહાન હોય છે. પરંતુ પોતાની ક્ષમતા હોવા છતાં શરૂઆતથી જ નાનું લક્ષ્ય નક્કી કરવું યોગ્ય નથી, કારણ કે ઊંચા લક્ષ્ય તરફના પ્રયત્નો જ વ્યક્તિને સતત વિકાસ અને સફળતા તરફ લઈ જાય છે.ટ્રેનિંગના પ્રથમ દિવસે જ અનિકેત પંડ્યાએ પોતાની પ્રેરણાદાયી રજૂઆત દ્વારા તાલીમાર્થીઓમાં રહેલી પ્રતિભા, આત્મવિશ્વાસ અને ઊર્જાને નવી દિશા આપી હતી. તેમનો સ્પષ્ટ સંદેશ હતો…
“મોટું લક્ષ્ય રાખો, સફળતા ન મળે તો પણ ચાલે, પરંતુ નાનું લક્ષ્ય રાખીને પોતાની ક્ષમતાને ક્યારેય સીમિત ન કરો.
“બીજા દિવસે રિસોર્સ પર્સન રોહિત દવે દ્વારા માઇક્રોલેબ પ્રવૃત્તિઓ, જૂથ ચર્ચાઓ તેમજ સફળ ઉદ્યોગસાહસિકોના અનુભવોના આધારે વ્યવસાયમાં સફળતા મેળવવાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓએ ચર્ચાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ત્રીજા દિવસે રિસોર્સ પર્સન શહેજાદ બોડીલા દ્વારા ઔદ્યોગિક તકો, યોગ્ય ઉદ્યોગની પસંદગીના મહત્વપૂર્ણ પાસાઓ, વિવિધ વ્યવસાયિક અવસરો તથા વ્યવસાય શરૂ કરવા માટેની કાર્યાત્મક બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ચોથા દિવસે રિસોર્સ પર્સન રતનસિંહ બામણિયા દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ લોન અને સહાય યોજનાઓ તેમજ ઉદ્યોગ અને સેવા આધારિત એકમોને મળતી સરકારી સહાય અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ 12 દિવસીય તાલીમ દરમિયાન પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા, બેંક લોન મેળવવાની રીત, માર્કેટિંગ, નાણાકીય આયોજન, વ્યવસાય સંચાલન, સરકારી યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા સહિતના અનેક મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તાલીમાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
CED વડોદરાની સુવ્યવસ્થિત આયોજન ક્ષમતા, અનુભવી તાલીમકારો અને વ્યવહારુ અભ્યાસક્રમને તાલીમાર્થીઓએ ખૂબ જ સરાહનીય ગણાવ્યો છે. રાજ્યમાં ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસોને આવા તાલીમ કાર્યક્રમો નવી દિશા આપી રહ્યા છે.
યુવાનોને માત્ર રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનાર બનાવવા માટે ગુજરાત સરકાર અને CED દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. તાલીમાર્થીઓમાં પણ આત્મવિશ્વાસનો નવો સંચાર જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યમાં સફળ ઉદ્યોગસાહસિક તરીકે વિકસવાની દિશામાં સકારાત્મક સંકેત છે.
