ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
18 મેડિકલ કેમ્પોમાં ત્રણ દિવસમાં હજારો લોકોની આરોગ્ય તપાસ; તાવ, ઝાડા-ઉલટીના કેસ પણ નોંધાયા, શનિવાર સુધી કેમ્પ ચાલુ રહેશે

સુરત: સુરતમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે તેની આરોગ્ય પર આડઅસર જોવા મળી રહી છે. પાલિકા દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલા 18 આરોગ્ય કેમ્પોમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અંદાજે 4 હજાર નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં 825 લોકોને ચામડીના રોગની સારવાર આપવી પડી છે. ઉપરાંત તાવ, ઝાડા અને ઉલટીના કેસ પણ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. રોગચાળો અટકાવવા માટે પાલિકાએ મેડિકલ કેમ્પ આગામી શનિવાર સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
ભારે વરસાદ અને ખાડી પૂરની સ્થિતિ બાદ ગંદકી, કાદવ અને દૂષિત પાણીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ચામડીના રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે 11 જુલાઈથી વિશેષ મેડિકલ કેમ્પો શરૂ કર્યા છે.
પાલિકા દ્વારા અઠવા ઝોનમાં 1, ઉધના ઝોન-એમાં 5, વરાછા ઝોન-એમાં 3, સરથાણા ઝોનમાં 2 અને લિંબાયત ઝોનમાં 4 મળી કુલ 18 સ્થળોએ આરોગ્ય કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. અહીં મેડિકલ ઓફિસર, ચર્મરોગ નિષ્ણાત, લેબ ટેક્નિશિયન અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં તપાસ કરાયેલા અંદાજે 4 હજાર લોકોમાંથી 825 દર્દીઓને ચામડીના રોગ, 357 લોકોને તાવ, 264 લોકોને સામાન્ય ઝાડા અને 82 લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત અન્ય વિવિધ આરોગ્ય સમસ્યાઓ ધરાવતા અંદાજે 2 હજાર જેટલા દર્દીઓને પણ સારવાર આપવામાં આવી છે.
તપાસ દરમિયાન ગંભીર હાલતમાં જોવા મળેલા 14 દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે ORS પેકેટનું વિતરણ, સ્વચ્છતા અંગે માર્ગદર્શન તેમજ રોગચાળો અટકાવવા સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
પાલિકાના જણાવ્યા મુજબ હાલ ચામડીના ચેપ, તાવ અને પાણીજન્ય રોગોને ધ્યાનમાં રાખીને સતત આરોગ્ય દેખરેખ રાખવામાં આવી રહી છે અને પુરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલા તમામ મેડિકલ કેમ્પ આગામી શનિવાર સુધી યથાવત ચાલુ રહેશે.
