ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કુમેય નદી ભયજનક સપાટીએ, 26 જિલ્લાના 425 ગામોમાં ભારે નુકસાન; રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

અરુણાચલ પ્રદેશ: રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કુમેય નદી ભયજનક સપાટીથી ઉપર વહેતા સરહદી વિસ્તાર પારસી-પારલો સર્કલ જળમગ્ન બન્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, પુલ ધોવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. રાજ્યના 26 જિલ્લાના 425 ગામોના કુલ 97,182 લોકો આ આપત્તિથી પ્રભાવિત થયા છે. સાથે જ કૃષિ અને જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે.
કુરુંગ કુમેય જિલ્લામાં સૌથી વધુ અસર
સોમવારે સવારે કુમેય નદીના ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવતાં પારસી-પારલો સર્કલ અને દામિન સબડિવિઝન સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. દામિન વિસ્તારમાં હુરી-દામિનને જોડતો પુલ ધોવાઈ જતાં માર્ગ સંપર્ક તૂટી ગયો છે.
પારસી-પારલોમાં બે મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે, જ્યારે એક ચર્ચ પણ ક્ષતિગ્રસ્ત બન્યો છે. ઉપરાંત પાગમ ગામને જોડતો પુલ પણ ધોવાઈ ગયો છે અને વિસ્તારની જાણીતી સેન્ટ થોમસ સ્કૂલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે.
બીજી તરફ પક્કે કેસાંગ જિલ્લામાં ભારે ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે-13 પર પાકરો ગામ નજીક વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

કૃષિ, માર્ગો અને જાહેર સંપત્તિને ભારે નુકસાન
ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે આશરે 541.75 હેક્ટર પાક બરબાદ થયો છે, જ્યારે 1,010 હેક્ટર જંગલ વિસ્તાર પણ પ્રભાવિત થયો છે.
આ ઉપરાંત અનેક સરકારી અને જાહેર સુવિધાઓને પણ વ્યાપક નુકસાન થયું છે, જેમાં:
- સેંકડો મકાનો
- 150 રસ્તાઓ
- 19 પુલ
- 221 પાણી પુરવઠાની યોજનાઓ
- 58 સરકારી ઇમારતો
- 156 વીજ લાઈનો
- 224 વીજ થાંભલા
- 10 જળવિદ્યુત પરિયોજનાઓ
- 2 હોસ્પિટલ
- 3 શાળાઓનો સમાવેશ થાય છે.
જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, પેરામિલિટરી દળો અને અન્ય વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. લોકોને ભારે વરસાદવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
