ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

પર્યાવરણનું જતન, હરિયાળીનું સંવર્ધન અને વધતા પ્રદૂષણ સામે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી ફતેપુરા સ્થિત જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળા પરિવાર, સંચાલક મંડળના હોદ્દેદારો, મહાનુભાવો અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ હરિયાળા ભવિષ્ય માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં સંચાલક મંડળના પ્રમુખ ડૉ. કિશોરભાઈ તાવીયાડ, મંત્રી શ્રી નવલભાઈ આમલીયાર તેમજ દાહોદ જિલ્લાના પૂર્વ સાંસદ ડૉ. પ્રભાબેન તાવીયાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં ઔષધીય તથા છાંયડો આપતા વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદ ડૉ. પ્રભાબેન તાવીયાડે જણાવ્યું હતું કે, “વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા નથી, પરંતુ માનવ જીવનનો આધાર છે. વૃક્ષારોપણ સાથે તેનું જતન અને સંવર્ધન કરવું પણ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે.” અન્ય મહાનુભાવોએ પણ પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું નિયમિત સંવર્ધન કરવા સૌને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો અને હરિયાળું, સ્વચ્છ તથા પ્રદૂષણમુક્ત સમાજના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો તથા સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા સમગ્ર વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે અને હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.