ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા યથાવત, છેલ્લા 2 મહિનાથી નળમાં કાળું પાણી આવતા સ્થાનિકોમાં રોષ

વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નં. 8 અંતર્ગત આવેલા કરોળિયા રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ અને દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વૃંદાવન ચોકડી નજીક આવેલી 6 સોસાયટીઓના આશરે 800 મકાનો આ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાઈ રહી છે, જ્યારે છેલ્લા 2 મહિનાથી ગંદુ ડ્રેનેજનું પાણી સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે રહેવાસીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની છે જ્યારે ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતાં ઘરોના નળમાં કાળા રંગનું પાણી આવવા લાગ્યું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા વધારી છે.
સ્થાનિકોનું કહેવું છે કે ગંદકી અને દૂષિત વાતાવરણના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતાવી રહી છે.
રહેવાસીઓએ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિકોએ તાત્કાલિક ડ્રેનેજ લાઇનનું સમારકામ, દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ અને વિસ્તારની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે તંત્ર પાસે ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
