ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
GSFC યુનિવર્સિટી ખાતે બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ સફળતાપૂર્વક સંપન્ન, ઉત્કૃષ્ટ કામગીરી બદલ પંચમહાલના બે એકમોને મળ્યું રાજ્યસ્તરીય સન્માન

વડોદરા: ગુજરાત સરકાર દ્વારા સેન્ટ્રલ ગુજરાત રીજિયન અંતર્ગત GSFC યુનિવર્સિટી, વડોદરા ખાતે તા. 29 અને 30 જૂન દરમિયાન બે દિવસીય **‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનો મુખ્ય હેતુ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવો, નવા સ્થાનિક અને વૈશ્વિક મૂડીરોકાણોને પ્રોત્સાહન આપવું તેમજ ઉદ્યોગકારો, સ્ટાર્ટ-અપ્સ, MSME એકમો, રોકાણકારો અને સરકારી તંત્રને એક જ મંચ પર લાવી પરસ્પર સમન્વય સ્થાપિત કરવાનો હતો.
બે દિવસીય આ કોન્ફરન્સ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિષયક સેમિનાર, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન સેમિનાર, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, MSME એવોર્ડ વિતરણ સમારોહ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ, સ્ટાર્ટઅપ સેમિનાર તથા MSME કોન્ક્લેવ જેવા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા.
પંચમહાલ જિલ્લાના બે ઉદ્યોગ એકમોને મળ્યું MSME એવોર્ડ
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત તા. 30 જૂન, 2026ના રોજ યોજાયેલા MSME કોન્ક્લેવ દરમિયાન પંચમહાલ જિલ્લાના બે અગ્રણી ઉદ્યોગ એકમોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ MSME Award એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતા એકમોને ટ્રોફી, રૂ. 2 લાખનો ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાલોલ સ્થિત M/s. AIR INDIA PNEUMATICS કંપનીને MSEs Award (Young) – Micro Category હેઠળ સન્માનિત કરવામાં આવી હતી. વર્ષ 2023થી કાર્યરત આ કંપની Pneumatic Automation Productsના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી છે. કંપનીના ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ઔદ્યોગિક મશીનોને Compressed Air દ્વારા વધુ કાર્યક્ષમ, વિશ્વસનીય અને સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જ્યારે ગોધરા સ્થિત M/s. EKTA TRADERSને MSEs Award (General) – Small Category હેઠળ શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2022થી કાર્યરત આ કંપની વિવિધ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે સફળ કામગીરી કરી રહી છે.
આ સન્માનથી પંચમહાલ જિલ્લાના ઉદ્યોગ સાહસિકોને નવી પ્રેરણા મળી છે અને જિલ્લાના MSME ક્ષેત્રને રાજ્ય સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ છે.
