NEET પેપર લીક કેસમાં CBIના દેશભરમાં દરોડા, જયપુર-ગુરુગ્રામ-નાસિકથી 5 આરોપીઓ ઝડપાયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: NEET-UG પેપર લીક મામલે CBIએ દેશભરમાં તપાસ તેજ બનાવી અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં જયપુર, ગુરુગ્રામ અને નાસિકના શખ્સોનો સમાવેશ થાય છે.

માહિતી મુજબ, CBIએ જયપુરથી માંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલને ઝડપી પાડ્યા છે. જ્યારે ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનરની ધરપકડ કરવામાં આવી છે. શુભમને દિલ્હી લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક કોર્ટ દ્વારા તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

CBIના દરોડા દરમિયાન અનેક મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ડિજિટલ ડિવાઇસ કબ્જે કરવામાં આવ્યા છે. આ તમામ સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. તપાસ એજન્સી હજુ વધુ ધરપકડ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બુધવારે CBIની ટીમ National Testing Agency (NTA)ના હેડક્વાર્ટર પહોંચી હતી, જ્યાંથી NEET પરીક્ષાને લગતા દસ્તાવેજો અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. પરીક્ષા પ્રક્રિયામાં સામેલ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પેપર રાજસ્થાનના અને હાલ કેરળમાં MBBSનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા પોતાના મિત્રોને મોકલવામાં આવ્યું હતું. આ મામલે હરિયાણાના એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે.

બીજી તરફ, મેડિકલ સંગઠનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે સુધારાની માંગ કરી છે. દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે અને ABVP, NSUI, AISA સહિતના વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતર્યા છે.

આ પણ વાંચો :-