ધો.10-12 પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11થી 18 જૂન દરમિયાન યોજાશે પરીક્ષાઓ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું સત્તાવાર ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા, ગેરહાજર રહેલા અથવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ફરી તક આપવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પૂરક પરીક્ષાઓ 11 જૂન 2026થી શરૂ થશે અને 18 જૂન 2026 સુધી ચાલશે. આ પરીક્ષામાં ધોરણ-10 ઉપરાંત ધોરણ-12 ના વિવિધ પ્રવાહોના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત પ્રથમા તેમજ સંસ્કૃત મધ્યમા જેવા કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

વિદ્યાર્થીઓ માટે આ પૂરક પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મુખ્ય પરીક્ષામાં સફળતા ન મળ્યા બાદ ફરી એકવાર શૈક્ષણિક વર્ષ બચાવવાની તક મળશે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આગળના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ પરીક્ષાનું વિગતવાર વિષયવાર ટાઈમટેબલ, બેઠક નંબર, પરીક્ષા કેન્દ્ર તેમજ અન્ય જરૂરી સૂચનાઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયસર વેબસાઇટ ચેક કરીને એડમિટ કાર્ડ અને સમયપત્રક ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે.

બોર્ડે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે યોગ્ય આયોજન સાથે તૈયારી કરવા, સમયસર કેન્દ્ર પર પહોંચવા અને તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો :-