કડાણા નજીક હાઈવે પર ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ₹8.87 લાખનો મુદ્દામાલ કબજે…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડાહયાપુર ગામ નજીક હાઈવે પર કડાણા પોલીસે વિદેશી દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રેટા કારમાંથી કુલ ₹3,87,436.5 ના વિદેશી દારૂ સાથે મળીને કુલ ₹8,87,436.5 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા સંતરામપુર વિભાગના I/C નાયબ પોલીસ અધિક્ષક જે.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

માહિતી મુજબ, કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એલ. કામોળના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સંતરામપુર-લુણાવાડા હાઈવે પર વોચમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર અમીરભાઈને બાતમી મળી હતી કે સંતરામપુર તરફથી એક સફેદ કલરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે ડાહયાપુર ગામ પાસે હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો, પરંતુ કાર ચાલકે ગાડી ઝડપથી ભગાડી દીધી હતી. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા ચાલકે ગાડી રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા ટીન બીયર સહિત કુલ 1800 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,87,436.5 થાય છે. સાથે જ ક્રેટા કાર સહિત કુલ ₹8,87,436.5 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ગાડી પર ખોટી (બોગસ) નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે કડાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો 65(એ)(ઈ), 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા આરોપીની ઓળખ અને ધરપકડ માટે વધુ તપાસ ચાલુ છે.



આ પણ વાંચો :-