ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

જામનગર મહાનગરપાલિકાની લગભગ અંતિમ જનરલ બોર્ડ બેઠક દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપ પર ‘40 ટકા કમિશન’ લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આક્ષેપોને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો બેનર-પોસ્ટર સાથે મહાનગરપાલિકાના પટાંગણમાં એકત્રિત થયા હતા.
આગેવાનોની હાજરીમાં સૂત્રોચાર
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચાર કરતા મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા.
કાર્યકરો હાથમાં બેનરો લઈને ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા હતા.
જનરલ બોર્ડમાં પ્રવેશનો પ્રયાસ, સુરક્ષા તંત્ર સક્રિય
જનરલ બોર્ડ બેઠક શરૂ થતી વખતે કેટલાક કોંગ્રેસ કાર્યકરોએ અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા વિભાગ દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
કાર્યકરો દ્વારા અંદર ઘુસવાનો પ્રયાસ થતાં હાજર પોલીસકર્મીઓએ તેમને રોક્યા હતા અને ખેંચી-ખેંચીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
અંતે કાર્યવાહી શરૂ
પરિસ્થિતિ થોડા સમય બાદ શાંત થઈ ગઈ હતી અને જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં, બેઠક દરમિયાન વિપક્ષ દ્વારા વિરોધનો અવાજ યથાવત રહ્યો હતો.
આ ઘટનાએ મહાનગરપાલિકાની બેઠક દરમિયાન રાજકીય તંગદિલીનું વાતાવરણ સર્જ્યું હતું.