બાલાસિનોરમાં ફરી એક વખતે માનવતાનો દીવો પ્રગટ્યો “હેલ્પિંગ હેન્ડ ક્લિનિક – બ્રાંચ-૨” નો ભવ્ય શુભારંભ…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આરોગ્ય સેવાના ક્ષેત્રે એક નવી ઐતિહાસિક શરૂઆત થઈ છે. સમાજના સર્વ વર્ગના લોકોના સ્વાસ્થ્ય સુખાકારી અને સેવા સંકલ્પ સાથે હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “હેલ્પિંગ હેન્ડ ક્લિનિક – બ્રાંચ-૨” નો માનવતાપ્રેમી લોકોના સહયોગથી ભવ્ય અને ઉત્સાહભર્યો શુભારંભ કરવામાં આવ્યો હતો..

આ સુમંગલ પ્રસંગે સમાજના હિતેચ્છુઓ, સેવાભાવી મિત્રો, સામાજિક કાર્યકરો તેમજ પહેલ ગ્રુપ ગોધરાના સભ્યો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પહેલ ગ્રુપના સભ્યો દ્વારા હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના યુવાનોની સેવાભાવના અને સતત ચાલતી કામગીરીને ખુલ્લેઆમ બિરદાવવામાં આવી હતી અને તેમને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી…

કાર્યક્રમ દરમિયાન ગોધરા નગર પાલિકા વોર્ડ નંબર 10 ના સભ્ય જલાલુદ્દીન સૈયદ (પપ્પુભાઈ 22) તથા સામાજિક કાર્યકર તોફીક મલેકએ જણાવ્યું હતું કે, આજના સમયમાં જ્યાં ખાનગી હોસ્પિટલો મોંઘી બની ગઈ છે અને ગરીબ તથા મધ્યમ વર્ગ માટે સારવાર એક મોટો પડકાર બની રહ્યો છે, ત્યાં હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ જનતા માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે. “હેલ્પિંગ હેન્ડ ક્લિનિક બ્રાંચ-૨” માત્ર એક આરોગ્ય કેન્દ્ર નથી, પરંતુ માનવતા, કરુણા અને સેવા ભાવનાનું જીવંત પ્રતીક છે…

વધુમાં જણાવ્યા હતું કે હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના નવ યુવાનો બાલાસિનોર સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે રાહતદરે અને જરૂરિયાતમંદો માટે નિશુલ્ક સેવા પૂરી પાડવામાં અગ્રેસર રહે છે. આ સંસ્થા દ્વારા હોસ્પિટલ સેવા, મેડિકલ સ્ટોર, એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કુદરતી આપત્તિના સમયે જરૂર મુજબની નિશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓના કારણે હજારો દર્દીઓ અને તેમના પરિવારજનોને સમયસર સારવાર મળી છે અને અનેક જીવ બચાવી શકાયા છે.

પહેલ ગ્રુપના સભ્યોએ વિશેષ વાત એ જણાવી હતી કે, બાલાસિનોર જેવા નાનકડા શહેરમાંથી હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ જેવા સેવાભાવી યુવાનો ઊભા થયા છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. આજના અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જ્યારે માનવીય સંબંધોમાં સ્વાર્થ વધતો જાય છે, ત્યારે આ યુવાનો સેવા અને માનવતાનો સંદેશ આપી રહ્યા છે.

ઉપસ્થિત મહેમાન આરીસ મલેક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટની કામગીરી માત્ર સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવનાને મજબૂત બનાવે છે. ગરીબ, મધ્યમ વર્ગ તથા જરૂરિયાતમંદ લોકો માટે આ ક્લિનિક આશાનો દીવો બની રહેશે અને આવનારા સમયમાં વધુ વિસ્તૃત સેવા આપી સમગ્ર વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે મજબૂત આધારસ્તંભ બનશે.
આ ભવ્ય શુભારંભ પ્રસંગે સૌએ એકસૂર થઈ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના યુવાનોના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યું હતું કે, આવી સેવાભાવી સંસ્થાઓ જ સમાજને સાચી દિશા બતાવે છે. “હેલ્પિંગ હેન્ડ ક્લિનિક બ્રાંચ-૨” બાલાસિનોરના નાગરિકો માટે માત્ર આરોગ્ય કેન્દ્ર નહીં પરંતુ માનવતાનું મંદિર બની રહેશે…

આ પણ વાંચો :-