સંતરામપુર ખાતે જિલ્લા પોલીસવડા સફીન હસનના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ખાતે પ્રજાના પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પોલીસવડા સફીન હસનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓને વહીવટી સ્તરે સાંભળીને તેનું યોગ્ય નિવારણ લાવવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોને લગતા કુલ ૧૦ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસવડા અને ઉપસ્થિત અધિકારીઓએ આ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી. જેમાંથી ૦૮ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો, જેનાથી અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. જ્યારે બાકી રહેલા ૦૨ પ્રશ્નો વધુ ચર્ચા-વિચારણા અને ટેકનિકલ પાસાઓ ધરાવતા હોવાથી તેને આગામી મહિનાના સ્વાગત કાર્યક્રમ માટે પેન્ડિંગ રાખી જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.

આ પ્રસંગે સંતરામપુરના પ્રાંત અધિકારી, સંતરામપુર મામલતદાર તેમજ તાલુકાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસવડાએ અધિકારીઓને લોકપ્રશ્નોના ઉકેલમાં ઝડપ લાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.