T20 વર્લ્ડ કપ પહેલા મોટો વિવાદ: બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC ફસાયું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરક્ષા કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના એક પ્રસ્તાવને ક્રિકેટ આયર્લેન્ડે ફગાવી દેતા આખો મામલો ગુંચવાયો છે. બાંગ્લાદેશ હવે ભારતમાં રમવા તૈયાર નથી, અને આયર્લેન્ડ પોતાનું ગ્રુપ બદલવા તૈયાર નથી, જેના કારણે ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાયા છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC સાથેની બેઠકમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ પરસ્પર પોતાના ગ્રુપ બદલી લે. બોર્ડનો તર્ક હતો કે આમ કરવાથી બાંગ્લાદેશની તમામ મેચો શ્રીલંકા શિફ્ટ થઈ જશે અને ટૂર્નામેન્ટના લોજિસ્ટિક્સમાં ઓછામાં ઓછો ફેરફાર કરવો પડશે. બાંગ્લાદેશ સરકાર દ્વારા ટીમ, ચાહકો, મીડિયા અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે બોર્ડ ભારતમાં રમવા માંગતું નથી.

જોકે, ક્રિકેટ આયર્લેન્ડે બાંગ્લાદેશના ગ્રુપ બદલવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે, જેનાથી BCB માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. ક્રિકેટ આયર્લેન્ડે સાફ કરી દીધું છે કે તેની ટીમનું જે શેડ્યૂલ છે, તે યથાવત રહેશે. એક અધિકારીએ કહ્યું, “અમને ICC તરફથી સ્પષ્ટ આશ્વાસન મળ્યું છે કે અમે મૂળ શેડ્યૂલથી હટીશું નહીં. અમે નિશ્ચિતપણે શ્રીલંકામાં જ ગ્રુપ-સ્ટેજ રમીશું.” આ નિવેદન બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

હવે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર નથી, ICC શેડ્યૂલ બદલવા તૈયાર નથી અને આયર્લેન્ડ ગ્રુપ સ્વેપ માટે રાજી નથી. આ ગતિરોધને કારણે ટૂર્નામેન્ટ પર સંશય ઘેરાયો છે. રિપોર્ટ્સ અનુસાર, ICC અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, પરંતુ હાલમાં કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.

વર્લ્ડ કપના ગ્રુપ અને શેડ્યૂલ

ગ્રુપ-C: બાંગ્લાદેશને વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, નેપાળ અને ઇટાલી સાથે રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશને ત્રણ મેચ કોલકાતા અને એક મેચ મુંબઈમાં રમવાની છે.

ગ્રુપ-B: આયર્લેન્ડને શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને ઓમાન સાથે રાખવામાં આવ્યું છે. આયર્લેન્ડની તમામ ગ્રુપ મેચ શ્રીલંકાના કોલંબોમાં નિર્ધારિત છે.