પંચમહાલ જિલ્લાના વધુ અવર જવર વાળા તમામ અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય, આવા તત્વો દ્વારા આચરવામાં આવતી ગુનાખોરી પ્રવૃતિઓના બનાવો અટકાવી શકાય, આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃતિને અંજામ આપતા પહેલાંજ અંકુશમાં લઈ શકાય તથા ગુનાખોરી પ્રવૃતિઓ જેવી કે ચોરી, ધાડ, લુંટ, ચીલઝડપ જેવા મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવી શકાય અને ગુન્હા બન્યા પછી તેના ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે તે માટે પંચમહાલ જિલ્લામાં જાહેર સુરક્ષા, સલામતીની દ્રષ્ટિએ તકેદારીના પગલાં રૂપે પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પંચમહાલ જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ તમામ હાઈ-વે ઉપરની હોટલો, ધર્મશાળાઓ, પેટ્રોલપંપો, ટોલ પ્લાઝાઓ, હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કીંગ સંસ્થાઓ, એ.ટી.એમ સેન્ટરો, મલ્ટી પ્લેસ થીયેટર, લોજીંગ, બોડીંગ, ધર્મશાળાઓ, સોના ચાંદીની દુકાનો, કોર્મશીયલ સેન્ટરો વિગેરે જેવા સ્થળો ખાતે સબંધીત માલિકો, ટ્રસ્ટીઓ, વહીવટકર્તાઓને આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબની વ્યવસ્થા કરવા હુકમ કર્યો છે.
આ જાહેરનામા મુજબ જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્સ-થીયેટર, લોજીંગ, બોડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યૌગિક એકમો, ધાર્મિક સ્થળો. સોના ચાંદીની દુકાનો, કોર્મશીયલ સેન્ટરો, પેટ્રોલપંપો ખાતેના ફીલીંગ સ્ટેશન તથા બાજુમાં આવેલ દુકાનો ઉપર તથા હોટલના ભોજનકક્ષ તથા બાજુમાં આવેલ દુકાનો ઉપર તથા હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે, તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યકિતનું વિડીયો રેકોર્ડીંગ થઈ શકે તેમજ બેંકીગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શીયલ સેન્ટરોમાં આવતાં-જતા તમામ વ્યકિતઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે મુજબના સી.સી.ટી.વી કેમેરા, નાઈટવીઝન કેમેરા હાઈડેફીનેશન સાથે ગોઠવવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ સી.સી.ટી.વી કેમેરા સાથે (નાઈટવીઝન તથા હાઈડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવા, સી.સી.ટી.વી.કેમેરાનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવા તથા તે જોવાની જવાબદારી જે-તે જગ્યાના સંચાલકની રહેશે તેમ જણાવાયુ છે. બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા, તમામ પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા તેમજ રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરાઓ ગોઠવવા જાહેરનામામાં જણાવાયું છે.
આ હુકમ તા.૧૩/ ૦૧/ ૨૬ થી આગામી બે માસ સુધી અમલમાં રહેશે તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.