ઝાલોદ,(દાહોદ) જીગ્નેશ પંચાલ :-

ગઈકાલે મોડી સાંજે પોતાની મોટરસાયકલ પર ઝાલોદથી સુખસર તરફ જઈ રહેલા ઝાલોદ મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટની મોટરસાયકલને રાજપુર ગામે વળાંક પાસે પૂરપાટ દોડી આવતા અજાણ્યું વાહન જોશભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં ગંભીર ઇજાઓ થતા મનરેગાના ટેકનિકલ આસિસ્ટન્ટનું ફળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જતીનભાઈ મચ્છર ગઈકાલે મોડી સાંજે પોતાના કબજાની જીજે ૦૬એફ.એચ-૫૮૬૩ નંબરની મોટરસાયકલ લઈ ઝાલોદ થી સુખસર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં રાજપુર ગામે વળાંકમાં સામેથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડી આવતું એક અજાણ્યું વાહન ટેકનિકલ આસિસ્ટન્ટ જતીનભાઈ મચ્છારની મોટરસાયકલ ને જોશભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જતીનભાઈ મછારને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી તેમજ પીઆઇ પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મરણ જનાર ઝાલોદ મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ જતીનભાઈ મછારની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે લાશને ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી હતી. ઘટનાની જાણ મૃતક જતીનભાઈ મછરના પરિવારજનોને છતાં પરિવારજનો ઝાલોદ સરકારી દવાખાને દોડી આવ્યા હતા. અને તેઓના હૈયાફાટ રુદનને કારણે ઝાલોદ સરકારી દવાખાનાના પરિસરમાં હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયા હતા. આ સંબંધે ઝાલોદ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.