આંબાખૂટ ખાતે વનકર્મી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વન વિભાગે ઝડપી લીધો

કદવાલ, (છોટાઉદેપુર)

છોટા ઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણી દીપડાની સંખ્યા નોંધપાત્ર જોવા મળે છે. સમયાંતરે દીપડાના હુમલા અંગેના સમાચાર પણ સાંભળવા મળે છે, ત્યારે પરમ દિવસે સાંજના સમયે પાવી જેતપુરના તાલુકાના આંબાખૂટ ગામના વન વિભાગમાં આઉટસોર્સ વોચમેન તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ રાઠવા ઉપર દીપડાએ હુમલો કરીને તેમને જંગલમાં બે કિલોમીટર દૂર ખેંચી જઈ ફાડી ખાધા હતા. ગઈકાલે બપોરે તેમની લાશ મળી આવી હતી.

આ ઘટનાને લઈને વન વિભાગ દ્વારા આદમખોર બનેલા દીપડાને પકડવા માટે આંબાખૂટ ખાતે ત્રણ જગ્યાએ પીંજરા મૂક્યા હતા, જેમાં જંગલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક પિંજરામાં દીપડો આવી ગયો હતો અને પીંજરું બંધ થઈ ગયું હતું. પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગ દ્વારા રસ્તા પર લાવી ત્યાથી ડુંગરવાંટ કેમ્પ સાઈટ ખાતે લાવવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ આદમખોર દીપડાને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તો આ આદમખોર દીપડો પાંજરે પુરાતાં સ્થાનિક લોકોએ હાશકારો લીધો છે.